ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્વેતાંગની અંતિમયાત્રા નીકળી

અમદાવાદ : પાટીદાર અનામત રેલી બાદ ફાટી નિકળેલા તોફાનોમાં બાપુનગર વિસ્તારમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા શ્વેતાંગ પટેલની આજે સવારે પેરામિલિટરી ફોર્સ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી. શ્વેતાંગની માતાએ પોતાના એકના એક પુત્રને કાંધ આપી હતી જયારે તેની બહેને તેને અગ્નિદાહ આપ્યો હતો.અંતિમયાત્રામાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

શ્વેતાંગનાં બાપુનગર પોલીસની કસ્ટડીમાં મૃત્યુ બાદ શ્વેતાંગની માતાએ હાઈકોર્ટમાં જવાબદાર પોલીસ અધિકારીઓ પીઆઈ પરમાર સહિતનાં પોલીસ કર્મીઓ વિરુધ્ધ ગુનો નોંધવા અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ તેનું પોલીસ કસ્ટડીમાં માથામાં ઈજાઓ અને બ્રેઈન હેમરેજને કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવતાં પી.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા જણાવી આ કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપી હતી.

જેમાં બાપુનગર પોલીસે પી.આઈસહિત નવ પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધ્યો હતો.આજે શ્વેતાંગની અંતિમયાત્રા નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાવવાનાં હોઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ અંતિમયાત્રા દરમ્યાન ન બને તે માટે સરકારે રાત્રે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર રાત્રે સાડા આઠ વાગ્યે ચીફ જસ્ટિસની કોર્ટમાં કોઈ કેસની સુનાવણી થઈ.

પાટીદાર અનામત આંદોલન સમયે ફાટી નીકળેલા તોફાનોમાં પોલીસ દમના કારણે મૃત્યુ પામેલા બાપુનગરના યુવાન શ્વેતાંગ પટેલની સ્મશાનયાત્રાને પગલે પુનઃકાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે કર્ફયુ સહિતના પગલાંની મંજૂરી માંગવા સરકારે હાઈકોર્ટનેે ખાસ અરજી કરી હતી. તેની સુનાવણીના અંતે સ્મશાનયાત્રા સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી કાયદાની મર્યાદામાં રહીને તમામ પગલાં ભરવાની કોર્ટે મંજૂરી આપી હતી.

સરકાર તરફથી થયેલી અરજી પર અર્જન્ટ હીઅરિંગ કરવાની વિનંતી થતાં કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ નિલય વી. અંજારિયાએ સુનાવણી હાઈકોર્ટમાં તેમના કોર્ટરૃમમાં જ યોજવાનો નિર્ણય કર્યો અને કોર્ટના ઈતિહાસમાં પહેલીવાર કેસની સુનાવણી માટે કોર્ટ સંકુલના દરવાજા ખોલવામાં આવ્યા. જે સમયે રેપિડ એકશન ફોર્સ સહિતના જવાનોનો અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત કોર્ટ સંકુલની બહાર ખડકી દેવાયો હતો.

સરકાર તરફથી ખાસ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, આસિસ્ટન્ટ એડવોકેટ જનરલ પી કે જાની, મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર હાજર રહ્યા હતાં. તેમની મુખ્ય રજૂઆત એ હતી કે, શ્વેતાંગ પટેલની અંતિમ યાત્રામાં લાખો લોકો જોડાવાના છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવો ભય છે. આથી સરકારને અંતિમયાત્રા  નિયંત્રણમાં લેવા કરફયૂ લાદવાની કે અંતિમયાત્રામાં જોડાનારા લોકોની સંખ્યા મર્યાદિત કરવાની છૂટ મળવી જોઈએ.

આ ઉપરાંત , અંતિમયાત્રાના શાંતિપૂર્ણ પહોંચી શકે તે માટે સમગ્ર રૃટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની જરૃર પડી શકે તેમ છે. હાઈકોર્ટે કહ્યું હતું કે અમદાવાદમાં શાંતિ માટે કાયદાની મર્યાદામાં રહીને પગલાં લો. છેવટે પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ અંતિમયાત્રા માટે બાપુનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પેરામિલિટરી ફોર્સ અને આર્મીનાં જવાનો માતૃશક્તિ સોસાયટીથી લીલાનગર સ્મશાનગૃહ સુધીનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.

સવારે આઠેક વાગ્યાની આસપાસ શ્વેતાંગની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં આ અંતિમયાત્રામાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ગોરધન ઝડફિયા, એએમટીએસ ચેરમેન બાબુ ઝડફિયા તેમજ સ્થાનિક કોર્પોરેટરો પણ જોડાયા હતાં.

અંતિમયાત્રા જયારે નીકળી ત્યારે ઠક્કરબાપાનગર નજીક પહોંચતા અંતિમયાત્રાને નક્કી કરેલા રૃટ કરતાં અન્ય રસ્તે લઈ જવા જણાવ્યું હતું પરંતુ પાટીદાર અગ્રણીઓની સમજાવટ બાદ નક્કી કરેલા રૃટ પરથી જ અંતિમયાત્રા નીકળી હતી.

પી.આઈ. પરમાર અને વસાવાની જિલ્લા બહાર બદલી બાપુનગર પોલીસ કસ્ટડીમાં શ્વેતાંગ પટેલનાં મૃત્યુ બાદ પી.આઈ. સહિતનાં પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાતા તાત્કાલિક અસરથી બાપુનગર સિનિયર પી.આઈ.પી.ડી. પરમારની રાજકોટ ખાતે અને આર.આર. વસાવાની બરોડા ખાતે બદલી કરી દેવામાં આવી હતી. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પી.આઈ. નકુમને બાપુનગર પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત ફાટી નીકળેલી હિંસામાં કલોલ પી.આઈ. જી.આર. ભાવસારની પણ બદલી કરાઈ છે જયારે ગાંધીનગર સેકટર-૭નાં પી.આઈ. એલ.બી. મોણપરાની માણસા ખાતે બદલી કરી દેવામાં આવી છે.

મોડીરાત્રે પોલીસ કમિશ્નર શ્વેતાંગના ઘરે પહોંચ્યા હતાંરવિવારે શ્વેતાંગની અંતિમયાત્રા નિકળવાની હોવાથી શનિવારે મોડી રાત્રે શહેર પોલીસ કમિશ્નર શિવાનંદ ઝા ઉચ્ચ અધિકારીઓ સાથે શ્વેતાંગના ઘરે પહોંચ્યા હતાં અને પોલીસ બંદોબસ્ત વિશે ચર્ચાઓ કરી હતી. પોલીસ કમિશ્નરે ઘરેથી સ્મશાન સુધીનાં રૃટને નીહાળી પોલીસ બંદોબસ્ત અંગેની સૂચનાઓ આપી હતી. જો કે પોલીસ કમિશ્નરે સ્થાનિક પોલીસ બાપુનગર પોલીસને આ પોલીસ બંદોબસ્તમાંથી દૂર રાખી હતી.

You might also like