સ્વાભિમાન રેલી સંપૂર્ણપણે નિષ્ફળ : જીતનરામ માંઝી

p class=”MsoNormal”>પટના : બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાન અવામ મોરચા (હમ)ના અધ્યક્ષ જીતનરામ માંઝીએ મહાગઠબંધન દ્વારા યોજાયેલી સ્વાભિમાન રેલીને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવી હતી અને કહ્યું કે મહાગઠબંધને રેલી માટે તેની તમામ શક્તિ કામે લગાડી હતી તે છતાં તે નિષ્ફળ પુરવાર થઇ.માંઝીએ જણાવ્યું કે સ્વાભિમાન રેલીને લઇને લાખો લોકોની ભીડ એકત્ર કરવાનો દાવો કરવામાં આવતો હતો.

રેલી માટે મહાગઠબંધનના તમામ પક્ષોએ તેમનું તમામ જોર લગાડ્યું હતું. સરકારી સંસાધનો અને માનવસંસાધનોને પણ આ રેલીમાં ભીડ એકઠી કરવા માટે કામે લગાડવામાં આવ્યા હતા. પરંતુ રેલીમાં હજારોની સંખ્યામાં જ લોકો આવ્યા હતાં. રેલી દરમિયાન મંચની આસપાસ પણ ઘણી જગ્યા ખાલી દેખાતી હતી. રેલીમાં મહિલાઓની સંખ્યા નજીવી હતી.

દલિત અને શોષિત સમાજના લોકો આ રેલીમાં આવ્યા નહોતા. પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રદેશના દલિત મહિલા અને શોષિત વર્ગના લોકોએ રેલીમાં ભાગ નહીં લઇને એવો સંકેત આપ્યો હતો કે તેમની (માંઝી) સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો તેમના હિત માટેના હતા જેને નીતીશકુમારે રદ કરવાનું કામ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના ગરીબ, શોષિત વર્ગના લોકો આ વાતનો બદલો લેશે. તેમણે કહ્યું કે નીતીશકુમારે રેલીમાં નવું કશું કહ્યું નહોતું.

તેમણે ભ્રષ્ટાચાર અને ગુનાઓ પર કાગળો પરની વિગતો રજૂ કરી જ્યારે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. માંઝીએ કહ્યું કે પ્રદેશમાં ભ્રષ્ટાચાર તેની પરાકાષ્ઠાએ છે. રાજ્યમાં અપહરણ, લૂંટ હત્યાની ઘટનાઓ થઇ રહી છે. દલિતો અને શોષિતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. નેશનલ ક્રાઇમ બ્યૂરોના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓની બાબતમાં દેશમાં ઉત્તરપ્રદેશ પછી બિહાર બીજા સ્થાને છે. પરંતુ નીતીશ સરકાર કાયદાના શાસનનો દાવો કરી રહી છે. માંઝીએ જણાવ્યું કે રેલીમાં આવેલી પ્રજાએ મહાગઠબંધનને તેના જનાધારનો અણસાર આપી દીધો છે.

You might also like