સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરમાં ૬૧.૫૦નો વધારો

નવી દિલ્હી : વૈશ્વિક પરિબળોને આધારે જેટ ફ્યૂઅલ અથવા એટીએફના ભાવમાં આજે ૧.૨ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે સબસિડી વિનાના રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ.૬૧.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કિલોલિટર દીઠ રૂ.૫૨૬.૨૦નો અથવા ૧.૨ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેનો ભાવ અગાઉ કિલોલિટર દીઠ રૂ.૪૪,૮૪૬ હતો તે ઘટાડીને રૂ.૪૪,૩૨૦.૩૨ કરાયો હોવાની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જાહેરાત કરી હતી.

ગયા ઓક્ટોબરથી એટીએફના ભાવમાં આ સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ.૨,૯૧૪.૯૮નો કિલોલિટર દીઠ ઘટાડો કરાયો હતો. સ્થાનિક વેચાણવેરા અથવા વેટને લીધે તેનો દર દરેક એરપોર્ટ પર અલગ અલગ રહેશે. બીજી બાજુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વિનાના રાંધણ ગેસના ૧૪.૨ કિલોના સિલિન્ડરના ભાવમાં રૂ.૬૧.૫૦નો વધારો કર્યો હતો.

ગ્રાહકો તેમના સબસિડીવાળા સિલિન્ડરોનો ક્વોટા પૂરો થઈ જાય તે પછી આ સિલિન્ડરો ખરીદતા હોય છે. તે મુજબ દિલ્હીમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ.૬૦૬.૫૦ થશે. અગાઉ તેનો ભાવ રૂ.૫૪૫ હતો. સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં આ સતત બીજો વધારો છે. ૧લી નવેમ્બરે તેના ભાવમાં રૂ.૨૭.૫૦નો વધારો કરાયો હતો.

દિલ્હીમાં સબસિડી વાળા ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ.૪૧૭.૮૨ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક દરોમાં થયેલા વધારાને લીધે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. તેને લીધે સબસિડીવાળા ૧૪.૨ કિલોના સિલિન્ડરની ચૂકવણી રૂ.૧૨૭.૧૮થી વધીને રૂ.૧૮૮.૬૮ થશે.

You might also like