બિનખેતીની અરજીનો થશે હવે ઝડપી નિકાલઃ 21 દિવસમાં કામ પૂરું થશે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં જમીન એન.એ. (નોન એગ્રીકલ્ચર) કરાવવાની અરજી મંજૂર કરાવવી તે અરજદાર માટે પડકાર સમાન હતું. બિન ખેતીની એક ફાઇલ અરજીને મંજૂરી મળતાં પહેલાં ૧૭ ટેબલ પર ફરવું પડતું હતું.

અરજદારોની અનેક ફરિયાદોના પગલે સરકારે બિનખેતીની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે કાર્ય પદ્ધતિમાં સરળતા લાવતા આ કામગીરીમાંથી હવે તલાટી અને પ્રાંત અધિકારીની બાદબાકી કરી છે. જો કે નવી શરતની હેતુ ફેર માટેની અરજીમાં પ્રાંત અધિકારીની સત્તાને ચાલુ રાખવામાં આવી છે. સરકારના રેવન્યુ વિભાગ દ્વારા હવે અભિપ્રાય રિપિટ નહીં કરવા અને ર૧ દિવસમાં તાકીદે કામ પૂરું કરવા માટે તાકીદ કરાઇ છે.

મોટા ભાગની બિન ખેતીની અરજીઓમાં અભિપ્રાય માટે ફાઇલ કેટલાય દિવસો સુધી પડી રહેતી હતી જેમાં હવે ર૧ દિવસની સમય મર્યાદા નક્કી કરાઇ છે. અત્યાર સુધી બિન ખેતીની અરજીની ફાઇલ ૧૭ ટેબલ પર ફરતી હતી તેમાં અરજી સાથે મેળવવાના આધાર પુરાવા અને તેના નિકાલમાં પણ સુધારા કરાયા છે. સમગ્ર કાર્યવાહીમાં તલાટી અને પ્રાંતને બાકાત કરાયા છે.

એટલે હવે કલાર્ક, શિરસ્તેદાર અને પ્રાંત અધિકારી પાસે બિન ખેતીની ફાઇલ જશે જ નહીં. હવે ફાઇલ અરજી સીધી મામલતદાર પાસે જશે. મામલદારે અરજીમાં મુકાયેેલ જરૂરી દસ્તાવેજો કે પુરાવાની ચકાસણી કરીને ફાઇલ પ્રાંત અધિકારીને નહીં પરંતુ સીધી જમીન શાખાને મોકલી દેવાની રહેશે.

આ પ્રક્રિયામાં એક મહિનાનો સમય લાગે છે. જે સમય હવેથી અરજદાર માટે બચી જશે. તલાટી સમયસર સ્થળ પર નહીં મળતા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી. હવેથી અરજદારે તલાટીનું રોજ કામ નહીં પણ ગણોતધારા કલમ ૪૩ અને નવી શરતમાં ફેરફાર માટે પરવાનગીની અરજીમાં જમીનના ચારે તરફથી દિશાની વિગત સ્પષ્ટ દેખાય તે રીતે ફોટોગ્રાફસ અને સોગંદનામું કરવાનું રહેશે.

જે અરજી ફોર્મમાં મુકાશે. જનસેવા કેન્દ્રમાં આવેલી અરજીને કચેરીમાં જરૂરી અભિપ્રાય કે દરખાસ્ત સાથે મોકલવાની રહેશે. એક વખત ફાઇલમાં જે તે અધિકારીનો અભિપ્રાય એટલે કે નો ઓબ્જેકશન સર્ટીફિકેટ મળી જાય ત્યાર બાદ તેને ફરી અભિપ્રાય માટે રિપિટ કરી શકાશે નહીં આ સિવાયના જરૂરી અભિપ્રાય દિવસ ર૧માં પૂર્ણ થાય તે બાબતે જિલ્લા કલેકટરને સૂચના અપાઇ છે.

જો સમય મર્યાદા ર૧ દિવસમાં કામગીરી પૂરી નહીં થાય તો તે બિન ખેતી કે જમીનના શરત ફેરની પ્રક્રિયા પૂરી થયેલી ગણાશે અને ત્યારબાદ કોઇ વાંધો કે તકરાર આવશે તો જે તે અધિકારીની અંગત જવાબદારી રહેશે. બિન ખેતીની અરજીમાં તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ ફાઇલ પ્રાંત અધિકારી પાસે જતી હતી અને ત્યાર બાદ ફાઇલ જમીન શાખામાં જતાં દિવસો નીકળી જતા હતા.

હવે ફાઇલ સીધી જમીન શાખામાં જશે અને અરજદારે ભરવાનું ‌પ્રિમિયમનું ચલણ તૈયાર થાય અને વેરિફિકેશન બાદ પૈસા ભરાઇ જાય એટલે ફાઇલ ફરી જમીન શાખાને મળી જશે અને ફાઇનલ ઓર્ડર તૈયાર થશે આમ સમગ્ર પ્રક્રિયા હવે સરળ થશે.

You might also like