નાર્કોટિક્સ કેસમાં મમતા કુલકર્ણી અને વિક્કી સામે બિનજામીનપાત્ર વોરંટ

થાણે: થાણેની જિલ્લા અદાલતે કહેવાતા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ માફિયા વિક્કી ગોસ્વામી અને તેની પાર્ટનર તેમજ અભિનેત્રી મમતા કુલકર્ણી વિરુદ્ધ એફે‌િડ્રન જપ્તીના મામલામાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ બંને આજકાલ ભારતની બહાર હોવાનું માનવામાં આવે છે.

જિલ્લા ન્યાયાધીશ એચ. એમ. પટવર્ધને વિક્કી ગોસ્વામી અને મમતા કુલકર્ણી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. થાણે પોલીસે ગઈ સાલ સોલાપુર એવોન લાઈફ સાયન્સ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી રૂ. બે હજાર કરોડની કિંમતનું ૧૮.૫ ટન એફે‌િડ્રન જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર એફે‌િડ્રન એવોન લાઈફ સાયન્સથી કેન્યા સ્થિત વિક્કી ગોસ્વામીની નાર્કોટિક્સ ગેંગને મોકલવાનું હતું. પોલીસે આ કેસમાં ૧૦થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે.

આ અગાઉ ગઈ સાલ સપ્ટેમ્બરમાં મમતા કુલકર્ણીના વકીલોએ તેના રેકોર્ડેડ નિવેદનનો વીડિયો પ્લે કરીને મમતા નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. આ વીડિયોમાં મમતાએ જણાવ્યું હતું કે હું ભારતીય બંધારણનો આદર કરું છું, પરંતુ થાણે પોલીસ અને અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન પર વિશ્વાસ મૂકતી નથી. બંને સંસ્થાઓએ મારી વિરુદ્ધ ખોટું કાવતરું રચીને મને ફસાવવાનું કામ કર્યું છે. મમતા કુલકર્ણીએ જણાવ્યું હતું કે છેલ્લાં ૨૦ વર્ષથી હું અાધ્યાત્મિક જીવન જીવું છું અને ધનદોલત તેમજ એશોઆરામથી તદ્દન વિમુખ બની ગયું છે અને તેથી ડ્રગનો ધંધો કરવાનો સવાલ જ ઊભો થતો નથી. મમતાએ થાણે પોલીસના રૂ. ૨૦૦૦ કરોડના ડ્રગના દાવાને પણ ખોટો ગણાવ્યો હતો. મમતાના જણાવ્યા અનુસાર તેના બેન્ક એકાઉન્ટમાં માત્ર રૂ. ૨૫ લાખ છે.
http://sambhaavnews.com/

You might also like