પોલીસ સુરક્ષા વચ્ચે 6 વર્ષ બાદ મલાલા પોતાના વતન પાકિસ્તાન પહોંચી

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈ આખરે પોતાના વતન પાકિસ્તાન પાછી ફરી છે. તાલિબાની આતંકીઓ દ્વારા થયેલા હુમલા બાદ મલાલા પ્રથમવાર પાકિસ્તાન પરત ફરી છે. છ વર્ષ પહેલા 2012માં તાલિબાની આતંકવાદીઓએ તેને ગોળી મારી હતી, જેમાં તે ઘાયલ થઈ હતી. બાદમાં મલાલા પાકિસ્તાન છોડી સારવાર માટે બ્રિટન ગઈ હતી અને ત્યારથી તે પોતાના પરિવાર સાથે ત્યાં જ વસી ગઈ હતી.

મલાલા ગુરુવારે સવારે પાકિસ્તાન એરપોર્ટ પહોંચી છે. મલાલાના આગમન પર પાકિસ્તાનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને પોલીસ સુરક્ષા સાથે તેને સલામત રીતે હોટલ સુધી પહોંચાડાઈ હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી મલાલા સાથે મુલાકાત કરી શકે છે. મલાલા પોતાના પરિવાર અને મલાલા ફંડના સીઈઓ સાથે ‘મીટ ધ મલાલા’ કાર્યક્રમમાં સામેલ થશે. તે ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે.

કોણ છે મલાલા યૂસુફજઈ?
મલાલાનો 1997માં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ રાજ્યના સ્વાત જિલ્લામાં જન્મ થયો હતો.
સ્વાત પર 2007થી મે 2009 સુધી તાલિબાનોનો કબજો હતો
તાલિબાનોએ છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો
મલાલા યૂસુફજઈ ત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરતી હતી
તાલિબાને ડાંસ અને બ્યૂટી પાર્લર પર પ્રતિબંધ લગાવ્યો
2008માં આશરે 400 જેટલી સ્કૂલ બંધ થઈ ગઈ
2009માં મલાલાએ BBC માટે એક ડાયરી લખી
ડાયરીમાં તાલિબાનીઓના કૃત્યોનું વર્ણન કર્યું
2009માં જિયાઉદ્દીને પોતાની પુત્રીની ઓળખ જાહેર કરી
2009માં મલાલા પ્રથમ વાર દુનિયા સમક્ષ આવી
9 ઓકટોબર 2012માં મલાલાને આતંકીઓએ ગોળી મારી
મલાલા ફાયરિંગ બાદ સારવાર માટે બ્રિટેન લઈ જવાઈ
વિશ્વસ્તરે લોકોએ તાલિબાની આતંકીઓની નિંદા કરી
2014માં મલાલાને શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો

You might also like