યુપીના શહેર સહારનપુરમાં ISનો ચિંતાજનક પગપેસારો

સહારનપુર : પેરિસમાં આતંકી સંગઠન આઈએસના લોહિયાળ જંગ બાદ દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અતિસંવેદનશીલ સહારનપુરમાં આતંકી કનેક્શનની આશંકાઓ અને આઈએસ કનેક્શનની શોધમાં કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ નજર માંડીને બેસી છે. સ્થાનિક ગુપ્તચર સંસ્થાઓની સાથે કેન્દ્રીય એજન્સીઓથી લઈને પોલીસતંત્ર પણ ખૂબ જ એલર્ટ છે.
આ પહેલાં સહારનપુરમાં ૨૦૧૦ના વર્ષમાં ચિન્હિત કરાયેલા ૧૦ શંકાસ્પદ પર નજર રાખવામાં આવી રહી છે. દેશની ઘણી મોટી આતંકી ગતિવિધિઓમાં સહારનપુર કનેક્શનના કારણે પેરિસ હુમલા બાદથી ગુપ્તચર સંસ્થાઓ સહારનપુરને લઈને ખૂબ જ એલર્ટ છે. તાજેતરમાં પેરિસમાં થયેલા આઈએસઆઈએસના હુમલા બાદ કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓએ સહારનપુરના આતંકી કનેક્શનની તપાસ શરૂ કરી દીધી છે. આ માટે ગુપ્તચર એજન્સીઓએ ત્યાં પગપેસારો કરી દીધો છે. ગુપ્તચર સંસ્થાઓએ દેશભરમાં આવા ૧૫૦ લોકોની ઓળખ કરી છે, જે આઈએસની ગતિવિધિઓથી પ્રભાવિત છે તેમાં મોટા ભાગના દક્ષિણ ભારતના યુવકો છે, જે ઓનલાઈન તથા સોશિયલ મીડિયાના માધ્યમથી આઈએસઆઈએસના સંપર્કમાં છે. સહારનપુર સંવેદનશીલ વિસ્તાર છે. આવામાં સ્થાનિક ગુપ્તચર સંસ્થાઓની સાથે કેન્દ્રીય એજન્સીઓની રીંગ પણ અહીં શોધખોળ માટે પહોંચી ચૂકી છે.
ખુફિયા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું કે સહારનપુરમાં વર્ષ ૨૦૧૦ સુધી એવા ૧૦ લોકો પર નજર રખાઈ હતી. જેની ગતિવિધિઓ શંકાસ્પદ હતી. તેનાં નામ અને એડ્રેસ પણ ગુપ્તચર એજન્સીઓની પાસે છે. એજન્સીઓ સોશિયલ મીડિયા પર બનેલા તેના એકાઉન્ટને શોધી રહી છે. આ ઉપરાંત ૨૦૧૦ પછી પણ નવા લોકો કોઈ પણ આતંકી સંગઠન કે આઈએસના સંપર્કમાં ન આવ્યા હોય તેની બારીકાઈથી તપાસ ચાલી રહી છે.
લગભગ ૨૦ વર્ષ પહેલાં જૈશ-એ-મોહંમદના ચીફ મૌલાના મસૂદ અઝહરને છોડાવવા માટે અહીં પાંચ વિદેશી નાગરિકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. જોકે પોલીસે વિદેશી નાગરિકોને સકુશળ છોડાવી દીધા હતા. પાકની જાસૂસીના આરોપમાં પકડાયેલો શાહિદ ઇકબાલ ભટ્ટી ઉર્ફે દેવરાજ સાયગલ પણ લાંબા સમય સુધી સહારનપુરમાં રહ્યો.

You might also like