શૌચાલય નહિ હોવાથી કાનપુરની યુવતીએ લગ્નનો ઈનકાર કર્યો

કાનપુર: ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક યુવતીએ સાસરિયામાં શૌચાલય નહિ હોવાના કારણે લગ્નના બે દિવસ પહેલાં જ લગ્નનો ઈનકાર કરી દેતાં લગ્ન લેનાર યુવકનાં પરિવારજનો મુસીબતમાં મુકાઈ ગયાં છે. કાનપુરની એક યુવતીના લગ્નની તમામ તૈયારી થઈ ગઈ હતી. ઘરના લોકો મહેમાનોની આગતા- સ્વાગતા કરવામાં વ્યસ્ત હતા ત્યારે લગ્નના બે દિવસ પહેલાં જ યુવતીને તેનાં સાસરિયામાં શૌચાલય નથી તેવી જાણ થતાં તેણે જે યુવક સાથે તેનાં લગ્ન થવાના હતા તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

કાનપુરના બર્રા પોલીસમથક હેઠળના વિસ્તારમાં બનેલી આ ઘટનામાં નેહા શ્રીવાસ્તવના લગ્ન એક યુવક સાથે નક્કી થઈ ગયા હતા. લગ્ન નક્કી થયા હતા ત્યારે તે યુવકના ઘરમાં શૌચાલય ન હતું. પરંતુ તેના પરિવારજનોએ લગ્ન પહેલાં શૌચાલય બનાવી લેવા વાયદો કર્યો હતો, પરંતુ લગ્નની તારીખ નજીક આવવા છતાં યુવકના ઘેર શૌચાલય નહિ બનતાં યુવતીએ લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.

આ ઘટના બાદ એક સામાજિક સંસ્થાએ આ યુવતીના લગ્ન એવા ઘરમાં નક્કી કરાવી દીધા કે જેમાં શૌચાલય હોય. યુવતીનાં પરિવારજનોએ જણાવ્યું કે તેમની પુત્રીએ લગ્નનો ઈન્કાર કરતાં યુવકના પરિવારજનોએ બર્રા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જોકે પોલીસે આવી કોઈ બાબત બની ન હોવાનું જણાવ્યું હતું.

You might also like