સુપ્રીમે યેદિયુરપ્પાની શપથવિધિ અટકાવવાનો કર્યો ઇન્કાર, કોંગ્રેસ કરી હતી અરજી

સુપ્રીમ કોર્ટે કર્ણાટક ભાજપને થોડા સમય માટે રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથગ્રહણ કાર્યક્રમને અટકાવવાનો ઇનકાર કરી દીધો છે. ગત રાત્રી બાદ સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં ભલે કોર્ટે શપથગ્રહણ અટકાવવાનો ઇનકાર કર્યો હોય પરંતુ તેની સાથે કોર્ટે ભાજપ પાસે ધારાસભ્યોની યાદી પણ માગી છે.

આ સાથે રાજ્યપાલને આપવામાં આવેલ સમર્થનનો પત્ર પણ માગ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં હવે 18મી એટલે કે શુક્રવારે સવારે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ મંગળવારે જ આવી ગયું હતું. પરંતુ ત્યારબાદથી અહી રાજકારણના સમીકરણ ઝડપથી બદલાઇ રહ્યાં છે.

બુધવારની સાંજે જ રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધુ હતું. આમ આજરોજ સવારે યેદિયુરપ્પા સવારે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ કરશે.

કર્ણાટકમાં સત્તા મેળવવા માટે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન નાટકીય ડ્રામા ચાલ્યો હતો. રાજ્યપાલે યેદુયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપતાં ભાજપના શપથગ્રહણને અટકાવવા માટે કોંગ્રેસે રાત્રી દરમિયાન નાટક કર્યું. કોંગ્રેસે મધ રાત્રીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ભાજપની શપથવિધિ વિરુદ્ધ અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં રાત્રી દરમિયાન સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાની શપથવિધિ અટકાવવાનો ઈનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યેદિયુરપ્પા આજે શપથ લઈ શકે છે. જોકે બપોરે 2 કલાક સુધીમાં ભાજપે ધારાસભ્યોનું લીસ્ટ આપવું પડશે.

આ મામલે હવે સુપ્રીમમાં વધુ સુનાવણી આવતીકાલે 10.30 કલાકે યોજાશે. મહત્વનું છે કે રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

You might also like