ગુજરાત પોલીસનું ફરમાન, ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશન જશો તો ફરિયાદ નહીં લેવાય

જો તમે વડોદરાના જે.પી રોડ પોલીસ સ્ટેશન જઇ રહ્યા છો, તો એવા કપડાં પહેરીને જાઓ જેમાં માથાથી લઇને પગ સુધીનું શરીર ઢંકાય જાય. જો આમ નહી કર્યુ હોય તો પોલીસ મદદ મેળવવાનું તો ભૂલી જાઓ તમને પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી પણ નહી મળે. જે.પી. રોડ પોલીસે પોસ્ટર્સ લગાવ્યા છે, જેમાં નાગરિકોને ચડ્ડા પહેરીને પોલીસ સ્ટેશનમાં ન આવવા સૂચના અપાઈ છે. પોલીસ સ્ટેશનની બહાર જ ગુજરાતીમાં આ પ્રકારના પોસ્ટર્સ લગાવ્યા છે.

આ અંગેનું કારણ જણાવતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનના PSIએ કહ્યું કે, “દરરોજ અમારા ત્યાં ઘણાં બધા લોકો આવે છે. જે રોજિંદા કપડાંમાં જ આવતાં હોય છે. હવે ગરમી વધી રહી છે ત્યારે લોકો ખાસ કરીને પુરુષો પોલીસ સ્ટેશનમાં ચડ્ડા પહેરીને આવે છે. એક-બે ઉદાહરણ તો એવા પણ છે કે જેમાં પુરુષો ખૂબ ટૂંકા ચડ્ડા પહેરીને આવ્યા હોય.”

PSIએ કહ્યું કે, “તેઓ ખુરશીમાં અસભ્ય રીતે બેસે છે, જેના કારણે અમારા ત્યાં રહેલા મહિલા પોલીસ સંકોચ અનુભવે છે. મહિલા પોલીસે આ અંગે ઘણીવાર ફરિયાદ કરી છે, જેને પગલે અમે આ પ્રકારનો નિર્ણય લીધો છે.”

PSIના મતે, જાહેર સ્થળોએ કેવો વ્યવહાર કરવો જોઇએ તે લોકોએ શીખવું જોઇએ. પોલીસે જણાવ્યુ કે, આ નિયમ મહિલા અને પુરુષો બંને માટે લાગુ કરવામાં આવ્યો છે. જો કોઇ શોર્ટ્સ પહેરીને પોલીસ સ્ટેશનમાં આવશે તો પોલીસ સ્ટાફ તેમને નમ્રતાથી પૂરા કપડાં પહેરીને આવવાનું જણાવશે, આ બંધુ પોલીસ સ્ટેશનની શિસ્ત જળવાય તે માટે મૂકવામાં આવ્યુ છે.

You might also like