બાપુ મારાથી નથી નારાજ અને મારા પર નથી ભાજપનું કોઇ દબાણ: મહેન્દ્રસિંહ

અમદાવાદઃ બાયડનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પિતા અને દીકરા વચ્ચે બહુ મોટો ખટરાગ ઉભો થયો છે. ત્યારે બાપુની પ્રેસ કોન્ફરન્સ બાદ દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાએ અમદાવાદમાં કોન્ફરન્સ કરીને બાપુની નારાજગી અંગે સ્પષ્ટતા કરી હતી.

મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, મારા પિતા તરીકે બાપુને ચિંતા થાય તે વ્યાજબી છે. પરંતુ બાપુ મારાથી નારાજ નથી. મારા પિતાને મેં ભાજપમાં જોડાવાની વાત કરી હતી અને પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય મારો વ્યકિતગત છે.

મારા સમર્થકો સાથે મેં ચર્ચા કરી હતી. ભાજપમાં જોડાવવાનો નિર્ણય પણ તાત્કાલિક લેવાયો નથી. ડિસેમ્બરથી ભાજપમાં જોડાવવાની વાત ચાલતી હતી અને વધુમાં કહ્યું કે, મારા પર ભાજપનું કોઈ જ દબાણ નથી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં પુત્ર અને બાયડનાં પૂર્વ ધારાસભ્ય કહેવાતાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજતાં પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે, જો મહેન્દ્રસિંહ એક સપ્તાહમાં ભાજપનો ખેસ નહીં ઉતારે તો અમારા પિતા-પુત્રનો રાજકીય સબંધ પૂર્ણ થઈ જશે.

પરંતુ આ અંગે મહેન્દ્રસિંહે નિવેદન આપતા જણાવ્યું કે મારા પિતા તરીકે બાપુને ચિંતા થાય તે વ્યાજબી છે પરંતુ બાપુ મારાથી નારાજ નથી.

You might also like