રૂ. ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ની નવી નોટ ચલણમાં નહીં આવે

નવી દિલ્હી: છેલ્લા કેટલાય દિવસથી બજારમાં એવી હવા ચાલી રહી હતી કે સરકાર રૂ. પાંચ હજાર અને ૧૦ હજારની નવી નોટ ચલણમાં મૂકનાર છે, પરંતુ સરકારે હવે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં જણાવ્યું છે કે રૂ. પાંચ હજાર અને ૧૦ હજારની ચલણી નોટો લાવવાની સરકારની કોઇ યોજના નથી.

આ મુદ્દે લોકસભામાં લેખિતમાં જવાબ આપતાં રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે આ અંગે આરબીઆઇની સલાહ લેવામાં આવી હતી અને સઘન વિચારણા બાદ એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે રૂ. પાંચ હજાર અને રૂ. ૧૦ હજારની નવી નોટો છાપીને ચલણમાં લાવવાની હાલ કોઇ જરૂર નથી.

મોટી કરન્સી માટે રૂ. બે હજારની નોટ પર્યાપ્ત છે. નોટો છાપવા પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે શું સરકાર રૂ. પાંચ હજાર અને ૧૦ હજારની નવી નોટ લાવવાની તૈયારી કરી રહી છે કે કેમ? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાને સ્પષ્ટતા કરી કે સરકારની હાલ આવી કોઇ યોજના નથી.

છેલ્લા કેટલાક દિવસથી બજાર અને સોશિયલ મીડિયા પર એવી હવા ચાલી રહી હતી કે સરકાર ટૂંક સમયમાં રૂ. પાંચ હજાર અને ૧૦ હજારની નોટ ચલણમાં લાવશે, પરંતુ હવે સત્તાવાર સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં આવતા આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગઇ સાલ ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત સાથે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ ચલણમાંથી બંધ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like