નેશનલ હેરાલ્ડ કેસમાં મહારાણી પણ કાયદાથી ઉપર નથીઃ જેટલી

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના રાજકીય બદલો લેવાના આક્ષેપનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતાં તેમણે ફેસબુક પર લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. આ સાથે તેમણે રાજકીય દુર્ભાવના સાથે કામ કરવાનો કોંગ્રેસનો આક્ષેપ પણ ફગાવી દીધો છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસને આડે હાથ લેતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ વેધક કટાક્ષ કરતાં લખ્યું છે કે ભારતે એ વાતનો ક્યારેય સ્વીકાર કર્યો નથી કે મહારાણી કાનૂન પ્રત્યે જવાબદાર હોઈ શકે નહીં.

અરુણ જેટલીએ કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે તેમણે સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભા કરવાના બદલે કાનૂની રીતે લડાઈ કરવી જોઈએ.

ફેસબુક પર જેટલીએ લખ્યું છે કે કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠો પ્રચાર કરી રહ્યા છે, નેશનલ હેરાલ્ડ કેસમાં તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ નેતાઓએ કરમુક્તિવાળી આવકનો કરમુક્તિ વગરના કામમાં ઉપયોગ કર્યો છે. સરકારે હજુ સુધી કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની સામે કોઈ નોટિસ જારી નથી.

જેટલીએ વધુમાં જણાવ્યું છે કે એક રાજકીય પક્ષ રાજકીય પ્રવૃત્તિઓથી પૈસા જમા કરી શકે છે, તેનાથી તેમને ઈન્કમટેક્સમાં છૂટ મળે છે. કોંગ્રેસના જમા કરવામાં આવેલ ૯૦ કરોડ રૂપિયાનું ભંડોળ અખબારની કંપનીને આપી દેવામાં આવ્યું હતું. પ્રથમ દૃષ્ટિએ કહી શકાય કે આ ઈન્કમટેક્સ એક્ટનું ઉલ્લંઘન છે, કારણ કે ઈન્કમટેક્સ મુક્તિ પ્રાપ્ત રકમનો ઉપયોગ બિનમુક્તિ કાર્યો માટે કરવામાં આવ્યો છે.

You might also like