હાર્દિક પટેલ કે પાસના કોઈ પણ અગ્રણી રાહુલ ગાંધીને મળશે નહીં

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ત્રણ દિવસની દક્ષિણ ગુજરાત યાત્રાના આજના અંતિમ દિવસના સુરતના પ્રવાસ તરફ સૌની મીટ મંડાઇ છે. રાહુલ ગાંધી આજે સાંજે સુરતના પૂર્વ વિસ્તારમાં જાહેર સભાને સંબોધવાના હોઇ પાટીદારોના સમર્થનને લઇને અનેક પ્રકારની ચર્ચા ઊઠી છે. પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલ અને તેમની કોર ટીમના સભ્ય પણ આજે સુરતમાં હોઇ રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ વચ્ચેની સંભવિત મુલાકાત પણ ચર્ચાઇ રહી છે. જો કે હાર્દિક પટેલ કે અન્ય કોઇ પાસના આગેવાન રાહુલ
ગાંધીની મુલાકાત કરવાના નથી તેવી પાસના ટોચના એક અગ્રણીએ સ્પષ્ટતા કરી છે.

આ અંગે પાસની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયાને પૂછતાં તેઓ રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની સંભવિત મુલાકાતની અટકળોને ફગાવી દે છે દિનેશ બાંભણિયા કહે છે, ‘રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ જ નહીં પરંતુ હું કે અલ્પેશ કથીરિયા કે પાસની કોર કમિટીના અન્ય કોઇ સભ્ય મુલાકાત કરવાના નથી.’

ગત સોમવારે કોંગ્રેસ સાથે યોજાયેલી બેઠકમાં તા.૭ નવેમ્બર સાંજ સુધીમાં બિનઅનામત વર્ગને અનામત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ અલ્ટિમેટમને અમે વળગી રહીએ છીએ. તે વખતે બેઠકમાં કોંગ્રેસ દ્વારા અનામત અંગે બંધારણીય જોગવાઇના સંદર્ભે કપિલ સિબ્બલ સાથે પક્ષની બેઠક યોજવાની અને ત્યારબાદ પાસની બેઠક યોજવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં અમે સંમતિ દર્શાવી હતી. પરંતુ હજુ સુધી કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ સાથેની બેઠકને લગતી કોઇ સૂચના મળી નથી.

દરમિયાન કોંગ્રેસના જાણકાર સૂત્રો કહે છે, કપિલ સિબ્બલની અમદાવાદ મુલાકાત હજુ નિશ્ચિત થઇ નથી. તેઓ તા.૬ કે તા.૭ નવેમ્બરે આવશે તેવી માત્ર અટળમાં જ છે.આ દરમ્યાન રાહુલ ગાંધીની વાપી અને વલસાડ જિલ્લાની મુલાકાત દરમ્યાન જ કોંગ્રેસમાં ભડકો થયો છે. રાહુલના કાર્યક્રમોમાં કાર્યકરોનું સન્માન નહીં જળવાતા જિલ્લાના પિરૂ મકરાણી, રાજેશ જયસ્વાલ, રશ્મિ શાહ, ખલિલ ગોદાણી અને રહીમ શેખે રાજીનામું ધરી દેતાં ચકચાર મચી છે.

You might also like