”કોઈએ માનું દૂધ પીધું હોય તો કાશ્મીરને ભારતથી અલગ કરીને બતાવે”

ગૃહમંત્રી રાજનાથ સિંહે કાશ્મીરમાં આતંક ફેલાવનારા પાડોશી દેશ પાકિસ્તાનને સીધોસટ જવાબ આપી દીધો છે. રાજનાથ સિંહે જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે, ‘તેઓ કાશ્મીર પર ખોટી નજર ના નાખે.’ તેમણે એવું પણ કહી દીધું કે, ‘કોઈએ હજુ માનું દૂધ પીધું નથી કે કાશ્મીરને ભારતથી અલગ કરીને બતાવે. કાશ્મીર ભારતનું હતું, છે અને રહેશે.’

ગૃહમંત્રીએ અગરતલામાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, પાડોશી દેશનું કોઈ ખરાબ ષડયંત્ર સફળ થવાનું નથી. પાકિસ્તાન હંમેશાથી ભારતને પરેશાન કરવા, તોડવાની અને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાન કહે છે કે તે કાશ્મીરને ભારતથી અલગ કરી દેશે. કોઈ એવી વ્યક્તિએ માનું દૂધ પીધું નથી, જે કાશ્મીરને ભારતથી અલગ કરી દે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત પોતાના આતંકીઓને ભારતને લોહીલુહાણ કરવા માટે મોકલતું રહે છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય સેના બોર્ડર પાર કરીને આવતા આતંકીઓને ખત્મ કરી રહી છે.

શનિવારે પણ બારામુલ્લામાં ભારતીય આર્મીએ બે આતંકીઓની ધરપકડ કરી હતી, જેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈને ભારતમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. આ આતંકીઓ કાયદેસર દિલ્હી સ્થિત પાકિસ્તાન કાર્યાલયથી વીઝા લઈને ગયા હતા અને વાઘા અટારી બોર્ડરથી પાછા ફર્યા હતા. બારામુલ્લામાં તેઓ કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે તે પહેલા જ આર્મીએ બંનેને દબોચ્યા હતા.

You might also like