રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહીં કરી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવતાં જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પનો ઉપયોગ નહીં કરી શકાય. ગુજરાત કોંગ્રેસના ચીફ વ્હિપ શૈલેશ મનુભાઇ પરમારની અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની સાથે એનડીએ સરકારે પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા (નન ઓફ ધી એબવ) વિકલ્પની જરૂર નથી. આ વિકલ્પ માત્ર લોકસભા અને વિધાનસભાની પ્રત્યેક ચૂંટણીમાં જ લાગુ પાડવો જોઇએ.

૩૦ જુલાઇએ સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસની અરજી પર સુનાવણી પૂરી કરીને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કોંગ્રેસની સાથે એનડીએએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીના બેલેટ પેપરમાં નોટાના વિકલ્પ માટે ચૂંટણીપંચના નોટિફિકેશન પર જવાબ માગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યસભા ચૂંટણીમાં જો કોઇ સભ્ય પક્ષના આદેશ મુજબ વોટિંગ કરે નહીં તો પક્ષ તેની હકાલપટ્ટી પણ કરી શકે છે. આવા ગેરબંધારણીય કૃત્યમાં એક બંધારણીય અદાલતને શા માટે પક્ષકાર બનાવવી જોઇએ.

You might also like