NADAની પેનલમાં ક્રિકેટરની નહીં, ઓલિમ્પિયનની જરૂર છેઃ સેહવાગ

નવી દિલ્હીઃ NADA પેનલની થોડા દિવસ પહેલાં બેઠક મળી હતી, જેમાં વીરેન્દ્ર સેહવાગ એ પેનલનો સભ્ય હોવા છતાં હાજર ન રહેતા વિવાદ ઊઠ્યો હતો. હવે વીરુએ આગળ આવીને સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, ”મેં ક્યારેય આ સમિતિનો હિસ્સો બનવા ઇચ્છા વ્યક્ત કરી નથી.

રમતગમત પ્રધાન રાજ્યવર્ધન રાઠોડના આગ્રહ બાદ હું આ સમિતિ સાથે જોડાયો હતો. NADA પેનલમાં કોઈ ઓલિમ્પિયનને રાખવો જોઈએ, ક્રિકેટરને નહીં. મારા જેવી વ્યક્તિની સરખામણીમાં કોઈ ઓલિમ્પિયનને એન્ટી ડોપિંગની વધુ જાણકારી હોય છે.

મને એ વાતનો સ્વીકાર કરવામાં કોઈ ખચકાટ નથી કે ડોપિંગ અંગે મારી જાણકારી બહુ સીમિત છે. આ પેનલની શરૂઆતની બે બેઠકની તારીખની NADA તરફથી મને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. ત્રીજી બેઠકમાં હું પહોંચી શક્યો નહોતો, કારણ કે મારો પુત્ર બીમાર હતો.”

ભારતનાે ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ની ડોપિંગ વિરોધી સુનાવણી પેનલ (ADAP)માં સામેલ થનારો સૌથી મહત્ત્વપૂર્ણ સભ્ય છે, પરંતુ વીરુએ હજુ સુધી આ પેનલની એકેય બેઠકમાં હાજરી આપી નથી. આને કારણે વીરુ સામે સવાલો ઊઠ્યા હતા.

ગત વર્ષે ૯ નવેમ્બરે વીરુને છ સભ્યોની પેનલમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પેનલમાં ન્યાયાધીશ આર. પી. ઈશ્વર (પ્રમુખ), વકીલ વિભા દત્ત મખીજા, દિલ્હીનાે ભૂતપૂર્વ કેપ્ટન વિનય લાંબા, ડો. નવીન ડાંગ અને ડો. હર્ષ મહાજન પણ સામેલ છે. ADAP સર્વોચ્ચ એકમ છે, જ્યાં ખેલાડી ડોપિંગ વિરોધી શિસ્ત પેનલ (ADDAP)ની સજા સામે અપીલ કરી શકે છે.

વીરેન્દ્ર સેહવાગ નવી પેનલની રચના બાદ ADAPની એક પણ બેઠકમાં હાજર રહ્યો નહોતો. નાડાના એક સૂત્રએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે વીરુએ ADAPમાંથી રાજીનામું આપ્યું નથી. તેણે પોતાની જાતને અત્યાર સુધી પેનલની સુનાવણીમાં સામેલ થતા અલગ રાખી છે. સેહવાગ ઉપરાંત બાકીના બધા સભ્યોએ ADAPની ઘણી બેઠકમાં ભાગ લીધો છે.

You might also like