તલાટી બનવા માટે કમ્પ્યૂટર ટાઈપિંગમાં સ્પીડની જરૂર નથી

અમદાવાદ: કૌભાંડને પગલે રદ થયેલી રેવન્યુ તલાટી વર્ગ ૩ની ફરી લેવાનારી પસંદગી પ્રક્રિયામાંથી ગૌણ સેવા પસંદગી મંડળે કમ્પ્યૂટરના વિશેષ જ્ઞાનની કલમ જાહેરાતમાંથી રદ કરી સુધારો જાહેર કરતાં હવે ર૪૮૦ મહેસૂલી તલાટી વર્ગ ૩ની જગ્યા માટેના ઉમેદવારોને રાહત મળી છે.

પસંદગી પ્રક્રિયા માટે જરૂરી અને અઘરી ગણાતી બાબતોને જ હવે પસંદગી મંડળે રદ કરી દેતાં ઉમેદવારોએ હવે કમ્પ્યૂટરનાં જ્ઞાન કૌશલ્ય માટે જરૂરી ટાઇપિંગ સ્પીડ નહીં હોય તો પણ પસંદગીની પ્રક્રિયામાંથી પાસ થઇને નોકરી મેળવી શકશે. સુધારાની કલમના ત્રીજા મુદ્દા મુજબ કલાકના પ,૦૦૦ કી ડિપ્રેશન્સથી ઓછી ન હોય તેવી લાયકાત ઉમેદવારે મેળવવી જરૂરી હતી. જેમાં મોટા ભાગના ઉમેદવારો નિષ્ફળ જતા હતા. પસંદગી મંડળે હવે જાહેર કરેલા સુધારા મુજબ તલાટી બનવા માટે કમ્પ્યૂટર ટાઇપિંગમાં ઝડપની જરૂર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા ફેબ્રુઆરી ર૦૧૪માં લેવાઇ હતી, પરંતુ પરીક્ષાના દિવસે જ પોલીસે રૂ.એક કરોડની રોકડ સાથે ગાંધીનગરમાં કેરિયર એકેડેમી ચલાવતા કલ્યાણસિંહ ચંપાવતની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ પરીક્ષાને લગતા અન્ય કૌભાંડો જાહેર થતાં સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવામાંં આવી હતી. જેના માટે હવે ફરી તા.૧૬ ડિસેમ્બરે ર૪૮૦ મહેસૂલ તલાટી વર્ગ ૩ની જગ્યા ભરવા માટે જાહેરાત અપાઇ છે. વર્ષ ર૦૧૪માં આ જગ્યાએ માટે કુલ ૧ર લાખ અરજી મળી હતી. જ્યારે આ વર્ષે માત્ર બે જ દિવસમાં બે લાખ ઉમેદવારોએ અરજી કરી દીધી છે.

You might also like