કોઈ માણસ સો ટચનું સોનું નથી

સામાન્ય માનવીઓ એક યા બીજા પ્રકારના પૂર્વગ્રહોને પોતાની માન્યતાના વાઘા ચઢાવે છે. હકીકતે આવી માન્યતા તેમના અહંકારનો જ ઝરૂખો હોય છે. આ અહંકાર અનેક મોઢે બોલતો હોય છે, રાવણની જેમ અહંકારને ઘણાં માથાં છે. તમે કેટલાક માણસોને સાંભળજો- એ કહેશે હું ચા નથી પીતો, કૉફી નથી પીતો, હું દૂધ પણ નથી પીતો અને તમે જેમ જેમ પ્રેમભર્યો આગ્રહ કરશો તેમ તેમ તે પોતાના નકારની યાદી લંબાવ્યા કરશે. આવા માણસને કોઈ સીધો જ સવાલ કરી શકે કે, “ભાઈ, તમે શું નથી પીતાં તે જવા દો ને તમે શું પીઓ છો તેની જ વાત કરોને!” તમે અમારા અતિથિ થયા છો, તમને પ્રેમથી કાંઈક પાવું છે. બોલો, તમે શું પીશો?

આવો સીધો મુકાબલો પેલા ભાઈને જરાક ખરબચડો લાગશે, પણ છતાં તે ભાઈ ધારે તો આમાંથી પોતાના વિશે કંઈક વિચાર કરી શકે. તેઓ પોતાને પૂછી શકે કે દુનિયા પાસે હું મારા અહંકારને નાનીનાની બાબતોમાં આ રીતે ક્યાં સુધી સદ્‌ગુણના વરખ ચઢાવીને રજૂ કર્યા કરીશ? આખરે સદ્‌ગુણની છાબડીમાં પણ આપણે સાચાં મોતીને બદલે આવાં શંખ છીપલાં જ ભેગાં કરવાં છે? હું સિનેમા નથી જોતો, હું નાટક નથી જોતો, હું બજારની ચીજો નથી ખાતો, હું તીખું નથી ખાતો, હું ખાંડ નથી ખાતો, હું પાન નથી ખાતો, હું સિગારેટ નથી પીતો, હું તમાકું ન જ ખાઈ શકું- ‘નથી’નો આ મહિમા અપાર હોય છે. તમારે શું ખાવું કે શું પીવું શું જોવું કે શું કરવું તે તમારી પોતાની બાબત છે. તમને રુચે તેમ કરો, મુદ્દાની વાત એ છે કે તમે આ બધામાં જ ગુણોનો સાગર સમાઈ જાય છે તેવા ભ્રમમાં પડશો નહીં.

ઠીક અંશે સંજોગો માણસની વર્તણૂક નક્કી કરે છે. કેટલાક માણસો સંજોગો પર વિજય મેળવીને પોતાની વર્તણૂક પોતે જ નક્કી કરે છે, છતાં તેઓ સંજોગોનું બળ ઓછું આંકતા નથી. તમારા સંજોગો અનુકૂળ હોય, તેમાં કેટલાક ગુણો વિકસાવવાની તમને તક પણ હોય પણ તેથી કરીને તમારાથી ઓછા નસીબદાર ઘણા બધા ભાંડુઓના વર્તનના કાજી થવાનો તમને હક નથી.  હું વાજબી રીતે જ એવું ગૌરવ લઉં કે મેં જિંદગીમાં હંમેશાં ચોખ્ખું જ ઘી ખાધું છે અને મેં કદી દવા લીધી નથી. આવું કહેનાર માણસ એ ભૂલી જાય છે કે આમાં પોતાના કરતાં પણ સંજોગોએ વધુ નિર્ણાયક ભાગ ભજવ્યો છે. જેઓ ભેળસેળવાળું ઘી કે સૂકી રોટી ખાય છે તે બધા પોતાની ઇચ્છાથી તેમ કરતા નથી. તેમની પાસે કોઈ વિકલ્પ જ હોતો નથી. આપણે બીજાના કાજી થતાં પહેલાં એટલું સમજવાની જરૂર હોય છે કે જિંદગી બધાને માટે એકસરખી ન્યાયી હોતી નથી, પણ માણસોને જિંદગીએ, સમાજે, સંજોગોએ ઘણો અન્યાય કર્યો હોય છે. કેટલાંક માણસોને જિંદગી મનપસંદ વિકલ્પો આપતી હોય છે, બીજા ઘણાને જિંદગી એક જ માર્ગની સાંકડી કેડી ઉપર હાંકતી હોય છે. આવા માણસો પ્રત્યે આપણે ન્યાયના નામે, સત્યના નામે, સિદ્ધાંતના બહાને કઠોર થઈ શકીએ નહીં.

ગણિકાને પથ્થર મારવાની ના પાડનાર ઈશુ ખ્રિસ્ત આ જ વાત કહી રહ્યા હતા. એ કંઈ ગણિકાજીવનને સ્વાભાવિક ગણતા નહોતા, પણ એ માણસના શરીરની ધૂળ ઉપર પોતાની નજર સ્થિર કરવાને બદલે ધૂળથી મેલા અને થાકેલા માણસની અંદર નજર કરતા હતા. કોઈ માણસ સાંગોપાંગ બૂરો હોતો નથી. કોઈ માણસ દુનિયામાં સો ટચનું સોનું હોતો નથી. માણસની બાબતમાં ધોળો અને કાળો એવા બે જ રંગ નથી. રંગ-છાયાની અપરંપાર છટાઓ હોય છે. તેમાંથી માણસનો મૂળ રંગ ઓળખવો પડે છે.

મૂળભૂત રીતે માણસ સારો છે, તેની ઉપર સંસ્કૃતિ ઊભી છે. મૂળભૂત રીતે સારો માણસ બૂરાઈ તરફ ઢળી પડવાનો સો ટકા સંભવ છે. તેના ઉપર કાયદો ઊભો છે. વિજ્ઞાન જેમ જેમ માણસના શરીર અને મનના ભેદ ઉકેલતું જાય છે તેમ તેમ એવી માન્યતા પર આવતું જાય છે કે તેના ગુણધર્મો તેની અંદર પડેલાં રસાયણોની અટપટી ભાત પરથી નક્કી થાય છે. આપણે માની ના શકીએ એટલું બધું એ પોતાના જન્મ સાથેના વારસામાં લઈને આવ્યો હોય છે. આ બધી બાબતો ઉપર તેનો કોઈ અંકુશ નથી. છતાં ઈશ્વરે તેને ઇચ્છાશક્તિ આપી છે અને પોતાના હિસ્સે આવેલા માટીના પિંડમાંથી કેવી મૂર્તિ ઊભી કરવી તેની છૂટ તેને આપી છે. કેટલાક આ વારસાના અને સંજોગોના બંધને ટપી જઈને માનવમાંથી મહામાનવ કે દેવ પણ બની જાય છે. કેટલાક નીચે ઊતરીને અર્ધમાનવ કે દાનવ પણ બની જાય છે, પણ ઘણાખરા તો સારા માણસ બનવા મથે છે અને તેમાં સફળ થવાની ગુંજાશ કંઈ નાનીસૂની નથી હોતી.

http://sambhaavnews.com

You might also like