કોઈ ગોટાળા થયા નથી, અમારા સીએ નોટિસનો જવાબ આપશેઃ દીપક કોચર

નવી દિલ્હી: ન્યૂપાવર રિન્યુએબલ્સના પ્રમોટર દીપક કોચરે પોતાનાં પત્ની અને આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચર સાથે સંકળાયેલ વિવાદમાં ગોટાળા અને હિતોના ટકરાવના આરોપને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું છે કે ઓથોરિટી તરફથી મળનારી કોઈ પણ નોટિસનો જવાબ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપશે.

તેમણે જણાવ્યું હતું કે ન્યૂપાવર રિન્યુએબલ્સની વેબસાઈટ્સ પર ૭૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં હજુ બધા પ્લાન્ટ ચાલુ થયા નથી. ટેક્સ ઓથોરિટીઝ ન્યૂપાવર રિન્યુએબલ્સની તપાસ કરી રહી છે. તેમના ફંડિંગ અને કામકાજની તપાસ સીબીઆઈ પ્રિલિમિનરી ઈન્કવાયરી (પીઈ) હેઠળ કરી રહી છે. દીપક કોચર, તેમના બે સંબંધીઓ અને વીડિયોકોન ગ્રૂપના ચેરમેન વેણુગોપાલ ધૂતે ૨૦૦૮માં ન્યૂપાવરની શરૂઆત કરી હતી.

ધૂતના નિયંત્રણવાળી સુપ્રીમ એનર્જીએ ન્યૂપાવર રિન્યુએબલ્સને ૬૪ કરોડ રૂપિયાની લોન આપી હતી અને પાછળથી કોચરના નેતૃત્વ હેઠળ એક ટ્રસ્ટે સુપ્રીમ એનર્જીને રૂ. ૯ લાખમાં ખરીદી હતી. તેના પર એ‍વો આરોપ મૂકવામાં આવ્યો છે કે હિતોના ટકરાવની સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે આઈસીઆઈસીઆઈ બેન્કે વીડિયોકોન ગ્રૂપને લોન આપી હતી, જોકે બેન્ક અને કંપનીએ કોઈ પણ ગોટાળા થયા હોવાનો ઈનકાર કર્યો છે.

દીપક કોચરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ બધા આક્ષેપો બેબુનિયાદ છે. ટૂંક સમયમાં સત્ય બહાર આવશે, હિતોના ટકરાવનો મામલો છે જ નહીં. મારા સીએ કોઈ પણ નોટિસનો જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ એનર્જીએ ન્યૂપાવર રિન્યુએબલ્સમાં રોકાણ કર્યું ત્યારે વીડિયોકોનના ધૂત તેના ડાયરેક્ટર હતા જ નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પિનેકલ એનર્જી ટ્રસ્ટે સુપ્રીમ એનર્જીના શેર ખરીદ્યા હતા ત્યારે અમે તેની માર્કેટ વેલ્યૂ પર ખરીદ્યા હતા અને તેની સાથે રૂ. ૬૪ કરોડની જવાબદારી પણ હતી. આમ, રૂ. ૬૪ કરોડની એસેટ્સ નવ લાખમાં ખરીદી હતી તેવું નથી. સાથે મેં જવાબદારી પણ લીધી હતી.

You might also like