મોદી સરકાર વિરુદ્ધ હવે અવિશ્વાસના કુલ ચાર પ્રસ્તાવઃ કોંગ્રેસનો વ્હિપ જારી

નવી દિલ્હી, મંગળવાર
હવે કેન્દ્રની મોદી સરકાર સામે અવિશ્વાસના કુલ ચાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી), વાયએસઆર કોંગ્રેસ અને સીપીઆઇ એમ બાદ હવે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ આપી દીધી છે.

એટલું જ નહીં કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઇને પોતાના તમામ સાંસદોનેે વ્હિપ જારી કર્યો છે. જોકે સંસદમાં ધાંધલ-ધમાલના કારણે અવિશ્વાસ પ્રસ્તાવ હજુ કોઇ પણ પક્ષ દ્વારા રજૂ કરાઇ શકયો નથી. અહેવાલો અનુસાર આજે ફરી લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ ટાળવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે મોદી સરકાર ૧૦ દિવસથી અવિશ્વાસ પ્રસ્તાવ ટાળી રહી છે, કારણ કે તે ભયભીત છે.

વાયએસઆર કોંગ્રેસે એવો નિર્ણય કર્યો છે કે આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપ્યા વગર જો સંસદનું સત્ર સમાપ્ત કરવામાં આવશે તો તેના તમામ સાંસદો તાત્કાલિક રાજીનામાં આપી દેશે. એક સાંસદે એવું પણ જણાવ્યું હતું કે આ નિર્ણય વાયએસઆર કોંગ્રેસ પ્રમુખ જગમોહન રેડ્ડી સાથેની પક્ષ સાંસદોની એક બેઠકમાં લેવાયો હતો.

૧૬ માર્ચના રોજ એનડીએથી છેડો ફાડયા બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે વિવિધ મુદ્દાઓને લઇને સાંસદો દ્વારા વિરોધ અને ધાંધલ ધમાલને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ હાથ પર લીધો નહોતો.

સોમવારે આરએસપી અને સીપીએમએ પણ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લોકસભાના મહાસચિવને મોકલી આપી છે. આમ હવે ચાર પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતાં હવે કદાચ સરકાર આ પ્રસ્તાવ હાથ પર લઇને તેના પર ગૃહ ચર્ચા કરશે એવા નિર્દેશો મળી રહ્યા છે.

You might also like