લોકોની જિંદગી પર બનવી જોઇએ બાયોપિક, સ્ટારડમનો કોઈ જ ભરોસો નહીં: અક્ષયકુમાર

બોલિવૂડનાં ખિલાડીકુમાર એટલે કે અક્ષયકુમાર એ જ ફિલ્મો કરવી પસંદ કરે છે, જેમાં કોઇ મહત્વનો સંદેશો છુપાયેલો હોય. તેનાં જણાવ્યાં અનુસાર દેશને સશક્ત બનાવવો ખૂબ જરૂરી છે. લોકોએ મહેનત કરીને પોતાની રોજી-રોટી કમાવાની સાથે સભ્ય સમાજને આગળ લઇ જવાનાં પ્રયત્ન પણ કરવા જોઇએ.

આવા લોકોની જિંદગી પર બાયોપિક બનવી જોઇએ, જેથી લોકોમાં સારો સંદેશો જાય. અક્ષયકુમાર મોટા ભાગે કોઇ વિવાદમાં પડતો નથી. તે કહે છે કે તમે મને ડિપ્લોમેટિક કહી શકો છો. મને તેમાં કોઇ વાંધો નથી, પરંતુ મારું માનવું છે કે કોઇ વ્યક્તિએ અન્ય કોઇ વિશે વાંધાજનક વાત ન કરવી જોઇએ, જેથી તે વ્યક્તિને દુઃખ પહોંચે.

અક્ષયની નજરમાં સ્ટારડમ શું છે તે અંગે વાત કરતાં અક્ષય કહે છે કે મારા માટે સ્ટારડમ એ છે, જે આજે છે, પરંતુ આવતી કાલે નહીં હોય. હું તેને ગંભીરતાથી લેતો નથી. જો તમારી પાસે સ્ટારડમ હોય તો તેનો ખોટો ફાયદો પણ ન ઉઠાવવો જોઇએ. બીજાઓનું સન્માન કરવું અને સખત મહેનત કરવી જરૂરી છે. પોતાની લોકપ્રિયતાનું કારણ જણાવતાં અક્ષય કહે છે કે આજે હું દરેક ઉંમરનાં લોકો, ખાસ કરીને યંગ ઇન્ડિયા સાથે એટલે જોડાયો છું, કેમ કે મારા દિલમાં જે આવે છે તે હું કહું છું.

અક્ષયકુમારનું કહેવું છે કે બોલિવૂડમાં કામ કરવાની રીતે તેને ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી. એક ડઝનથી પણ વધુ ફ્લોપ ફિલ્મો આપ્યા છતાં નિર્માતાઓએ તેનાં પર ભરોસો કર્યો. તે ખુદને સૌથી પહેલાં નિર્માતાના કલાકાર તરીકે જુએ છે અને પોતાના સહકલાકારોને પણ એ જ સલાહ આપે છે. તે કહે છે કે નિર્માતા પૈસા લગાવે છે. તેથી હું નિર્માતાના કલાકાર તરીકે ઓળખાવાનું પસંદ કરું છું.

You might also like