રંગો નહીં રમતોથી પણ ઊજવાય છે હોળી

હોળી-ધુળેટીમાં એકબીજાને રંગવાની સાથે પરંપરાગત રમતો રમવાની પણ મજા છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં હોળીના તહેવારનું આગવું મહત્ત્વ છે. તો ગુજરાત પણ આ પર્વ ધામધૂમથી ઊજવાય છે. આદિવાસી વિસ્તારોમાં હોળીનો તહેવાર રંગેચંગે ઊજવાય છે. આ પર્વ દરમિયાન કેટલીક પરંપરાગત રમતો પણ રમાય છે.

ફાગણ માસની શરૂઆત થતાં જ ગામડાંના યુવાનો સાંજના સમયે આવી રમતો રમતા થઈ જાય છે. જેમાં નાળિયેર ફેંક સૌથી પ્રચલિત અને લોકપ્રિય છે. આદિવાસીઓમાં હોળી પર ભરાતા મેળાઓમાં પણ ખેલકૂદની સ્પર્ધાઓ થાય છે. હોળીની ઉજવણીનાં સ્વરૂપો બદલાતાં રહ્યાં છે, જેની સાથે રમતો પણ સમય પ્રમાણે બદલાતી રહી છે. હોળીના હર્ષોલ્લાસની સાથે રમતોની હાર-જીતના રંગો પણ અનેરો આનંદ આપે છે.

નાળિયેર ફેંક
આ રમતમાં બે સ્પર્ધકો વચ્ચે નિશ્ચિત જગ્યાએ નાળિયેર ફેંકવા માટે શરત લાગે છે. સ્પર્ધકે હાથે વડે નાળિયેરનો ઘા કરવાનો હોય છે. નિશ્ચિત જગ્યાએ નાળિયેર પહોંચાડવા કેટલા ઘા કરવા તેનો આંકડો નક્કી થાય છે. દા.ત. બે કિલોમીટર દૂર કોઈ જગ્યાએ દસ ઘામાં નાળિયેર પહોંચાડવાનું કોઈ કહે અને પહોંચાડી દે તો તે વિજેતા બને છે. અન્ય કોઈ વ્યક્તિ દસથી ઓછા ઘામાં નાળિયેર તે જગ્યાએ પહોંચાડવાની ચેલેન્જ કરે તો તેને અગ્રતા અપાય છે.

આમ, હરીફાઈનો રોમાંચ જળવાઈ રહે છે. ગામડાંમાં આ સ્પર્ધામાં મોટેરાં હાજર રહી જે તે વ્યક્તિને પાનો ચડાવે છે. ઘણી વાર સ્પર્ધાને ‘આબરૂનો સવાલ’ બનાવી દેવાય છે. આ રમત અલગ રીતે પણ રમાય છે. જેમાં એક સર્કલ બનાવી તેની અંદર અમુક અંતરેથી નાળિયેર ફેંકવાનું હોય છે. બંને ટીમોને આ રીતે પાંચ કે સાત ચાન્સ અપાય છે. જે ટીમ સૌથી વધુ વખત સર્કલમાં નાળિયેર ફેંકી બતાવે તેને વિજેતા જાહેર કરાય છે.

શ્રીફળ છોલવાની રમત
આ રમત બે વ્યક્તિઓ વચ્ચે રમાય છે. જેમાં નિશ્ચિત સમયમાં નાળિયેરનાં છોતરાં ઉતારવાની સ્પર્ધા થાય છે. ઓછામાં ઓછા સમયમાં જે સ્પર્ધક નાળિયેરનાં છોતરાં હાથેથી અથવા તો મોઢેથી છોલી બતાવે તેને વિજેતા જાહેર કરાય છે. આ રમતમાં વ્યક્તિની શારીરિક તાકાત મહત્ત્વનો ભાગ ભજવે છે.

આંધળો પાટો
સૌરાષ્ટ્રમાં આ રમત હોળી દરમિયાન થોડી જુદી રીતે રમાય છે. રમતમાં ભાગ લેનાર બે વ્યક્તિ કે ગ્રૂપ વચ્ચે શરત લાગે છે. જેમાં એક વ્યક્તિની આંખે પાટો બાંધવામાં આવે છે અને ગામમાં આવેલ કોઈ ચોક્કસ સ્થળે નક્કી કરેલા સમયમાં પહોંચી જવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન વચ્ચે ખાડા-ટેકરા, વાહન, ઢોર આવે તો પાટો બાંધેલી વ્યક્તિને મદદ કરાય છે. જે શરત જીતી જાય તેને રૂપિયા અથવા નક્કી કરેલી મિઠાઈ, ખજૂર કે ધાણી અપાય છે.

સિક્કા ફેંક
આ રમત ઘરના ગોખલામાં અથવા જમીનમાં નાનકડો ખાડો ગાળીને રમાય છે. જેમાં અમુક અંતરેથી સિક્કા ફેંકવાના હોય છે. જે ટીમના સૌથી વધુ સિક્કા ગોખલામાં કે ખાડામાં પડે તેને વિજેતા જાહેર કરાય છે. ખાસ તો મહિલાઓ અને યુવતીઓ આ રમત રમે છે. હોળી ઉપરાંત જન્માષ્ટમી પર નાની બાળાઓ આ રમત રમે છે. એમાં પૈસાની લેવડદેવડ બહુ ઓછી થતી હોવાથી મહિલાઓમાં તે ભારે લોકપ્રિય છે. યુવાનો કરતાં મહિલાઓ આ રમતમાં વધુ હોશિયાર હોય છે.
game-1

માચીસ તોડ
માચીસ બોક્સ દ્વારા રમાતી આ રમતમાં માચીસ બોક્સને દીવાલ સાથે અથડાવીને અંદર રહેલી દીવાસળીઓને બહાર કાઢવાની હોય છે. આ માટે પણ કેટલા પ્રયત્નોમાં કેટલી દીવાસળીઓ બહાર કાઢવી તે અંગેની બોલી લગાવવામાં આવે છે. બોલી સ્વીકારનાર વ્યક્તિ કે જૂથ દ્વારા નક્કી થયેલા પ્રયત્નોમાં માચીસ બોક્સને દીવાલ સાથે અથડાવીને ચોક્કસ સંખ્યામાં દીવાસળીઓ બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવે છે અને જો તેમાં સફળ થાય તો તે વિજેતા ગણાય છે.

ખાણીપીણીની સ્પર્ધા
દરેક ગામમાં એવી કેટલીક વ્યક્તિ હોય છે જે આવી સ્પર્ધામાં કુશળતા ધરાવતી હોય છે. ખાસ કરીને મિઠાઈ ખાવામાં તેમને કોઈ પહોંચે તેમ હોતું નથી. આવી વ્યક્તિઓ મળીને ખાસ ખાણીપીણીની સ્પર્ધા યોજતી હોય છે. લાડુ, મોહનથાળ, ટોપરાપાક, અડદિયા જેવી મિઠાઈ ખાવાની સ્પર્ધા થાય છે. સૌથી વધુ મિઠાઈ ખાનાર વિજેતા બને છે. ખાણીપીણીની આ સ્પર્ધા હવે તો શહેરોમાં પણ યોજાય છે. સામૂહિક રીતે યોજાતી આવી સ્પર્ધામાં લોકો રજિસ્ટ્રેશન કરાવી, પૈસા ખર્ચીને ભાગ લેતા હોય છે.

રાજકોટ, હળવદ, જામનગર, જૂનાગઢ, ગોંડલ જેવાં સૌરાષ્ટ્રનાં શહેરોમાં આ સ્પર્ધા સમયાંતરે યોજાતી રહે છે. આ સ્પર્ધામાં મુખ્યત્વે મિઠાઈ ખાવાની હોય છે. પૂર્વશરત એ કે તમારી હોજરી મજબૂત હોવી જોઈએ અને તમારું પેટ આરોગેલી મિઠાઈ પચાવવા સક્ષમ હોવું જોઈએ. ગામમાં આવેલી મિઠાઈની દુકાન હોળીના તહેવાર દરમિયાન રાત્રે મોડે સુધી ખુલ્લી રહે છે. યુવાનો પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

પાણીના ઘડાની રમત
આ રમતમાં પાણી ભરેલો ઘડો માત્ર આંગળીઓથી પકડીને ચોક્કસ અંતર સુધી ચાલીને કે દોડીને પહોંચવાનું હોય છે. તો અન્ય રીતમાં પાણીના ઘડાને હથેળીમાં મૂકીને પણ નિશ્ચિત અંતરે પહોંચવાનું હોય છે. બંને પ્રકારની રમતમાં બીજા હાથનો સપોર્ટ લેવાનો હોતો નથી. શરૂઆતમાં સહેલી લાગતી આ રમત ખરેખર મુશ્કેલ છે. હથેળી ઉપર પાણીનો ઘડો રાખીને બીજા સ્થળે પહોંચવાની રમતમાં અંતર થોડું ઓછું હોય છે, જ્યારે આંગળીઓ દ્વારા પાણી ભરેલો ઘડો પકડીને નિશ્ચિત સ્થળે પહોંચાડવાની રમતમાં બંને સ્થળો વચ્ચેનું અંતર ઘણું વધારે હોય છે.

game-3

કેટલીક વાર આ સ્થળ ગામનું પાદર, બસ સ્ટેશન કે ગામના સીમાડાઓ પાર કરીને ગામની સીમ કે પાદર પણ નક્કી કરવામાં આવે છે. આ બંને પ્રકારની રમતમાં નક્કી થયેલા સ્થળે પહોંચવા માટે ચોક્કસ સમયની બોલી લગવાય છે. જે જૂથ કે વ્યક્તિ વધારે અંતર અને ઓછા સમયની પૂર્ણ કરે તે વિજેતા બને છે.

રંગોના તહેવાર પર આવી શરતી રમતોની હારજીતમાં પૈસાને બદલે ક્યારેક ખાણીપીણીની વસ્તુઓ પણ હોય છે. રમતના અંતે હારનાર અને જીતનાર બંને જૂથો સાથે મળીને ખાણીપીણીની ઉજાણી કરે છે. રમતમાં ન જોડાનાર અને માત્ર પ્રેક્ષક તરીકે હાજરી આપનારને પણ ખાવાપીવાનો મોકો મળી રહે છે. તહેવારો પર રમાતી આવી પરંપરાગત રમતોથી ગ્રામ્ય સંસ્કૃતિ સચવાઈ રહે છે.

હીરેન રાજ્યગુરુ, નરેશ મકવાણા

You might also like