જીએસટીના દરમાં ફેરફાર કરવો મુશ્કેલ

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમે સ્પષ્ટ કર્યું છે કે જીએસટીના રેટ નક્કી કર્યા બાદ તેમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. સીબીઇસીના જણાવ્યા પ્રમાણે દરમાં સંશોધન કરવાનો અધિકાર માત્ર જીએસટી કાઉન્સિલને છે. એફએમસીજી અને ઓટો કંપનીઓ સહિત કેટલાંક ઉદ્યોગગૃહ તથા વેપારી એસોસીએશને જીએસટીના દરમાં ફેરફાર કરવા કાઉન્સિલમાં રજૂઆત કરી હતી.

સીબીઇસીના જણાવ્યા પ્રમાણે જીએસટી ૧ જુલાઇએ અમલી બનવા જઇ રહ્યો છે. આવા સંજોગોમાં ઓછા સમયમાં જીએસટીના દર એક વખત નક્કી કરાયા બાદ તેમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ રહેશે. જો તેમાં ફેરફાર થાય તો ઉદ્યોગ અને કારોબારી જગતની અપેક્ષા વધતી જ જશે, જોકે કાઉન્સિલ પાસે મજબૂત કારણો હોય તો ટેક્સના દરમાં ફેરફાર કરી શકે છે. આમ, ટેક્સના દરમાં ફેરફારની પૂરેપૂરી પ્રક્રિયા જીએસટી કાઉન્સિલના વિવેક પર નિર્ભર રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ જે લોકો તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે તેઓને અટકાવવા માટે કોઇ એજન્સી હજુ સુધી બનાવવામાં આવી નથી, જોકે ગ્રાહક હિતો માટે કાયદા પૂરતા છે તેમ સીબીઇસીએ જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like