SC-ST એક્ટના વિરોધમાં ભારત બંધના એલાનની શહેર અને રાજ્યમાં કોઈ અસર નહીં

અમદાવાદ: અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી) સંશોધન અધિનિયમ વિરુદ્ધ સવર્ણ સંગઠનો દ્વારા આજે ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. જોકે અમદાવાદ શહેરમાં ભારત બંધની કોઇ અસર આ લખાય છે ત્યારે જોવા મળી નથી.

વહેલી સવારથી સ્કૂલો, કોલેજો, બેન્કો સહિત તમામ ઓફિસો અને દુકાનો રાબેતા મુજબ ચાલી રહ્યાં હતાં. બંધનું એલાન સવર્ણ સમાજ, કરણી સેના તેમજ કેટલાંક અન્ય સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં માર્ચ મહિનામાં કેટલાક ફેરફાર કર્યા હતા. જેને લઇને દલિતોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો ભારે વિરોધ થયો હતો.

દલિતો દ્વારા કરવામાં આવેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાખવામાં અને કાયદાને અગાઉ હતો તે મુજબ મુળ સ્વરૂપે લાગુ કરી દેવામાં આવ્યો હતો. જેથી હવે સવર્ણોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સવર્ણના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

સવર્ણો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનના પગલે અમદાવાદમાં તેની કોઇ અસર જોવા મળી નથી. વહેલી સવારથી રાબેતા મુજબ સ્કૂલ, કોલેજો બેન્કો ચાલુ રહ્યાં હતાં.

બંધનાં એલાનને પગલે પોલીસે કેટલાક વિસ્તારોમાં પોલીસ સામાન્ય બંદોબસ્ત મુક્યો છે પરંતુ ક્યાંય પણ કોઇ અનિચ્છનીય બનાવ બન્યા નથી. ઉલ્લેખનીય છે કે ભારત બંધના એલાનના સમર્થનમાં ગુજરાતના કોઈ સંગઠનો આગળ આવ્યા ન હતા કે ટેકો જાહેર કર્યો ન હતો.

You might also like