આતશબાજીમાં હવે ધડાકા અને ધુમાડો નહીં રહે!

ફાયરવર્કસ એટલે કે આતશબાજી દરેક ભવ્ય અને વિશાળ સમારંભનું ખાસ આકર્ષણ હોય છે. નવા વર્ષની ઓસ્ટ્રેલિયાની આતશબાજી, ભારતની રાવણદહનની આતશબાજી અને હવે અમદાવાદના કાર્નિવલની આતશબાજી વિખ્યાત બની છે, પરંતુ આકાશમાં રંગબેરંગી સાથિયા ભરવાની આ કવાયતમાં કાનને બહેરા બનાવી દે એવા ધડાકા અને રૃંધામણ થઈ જાય એવો ધુમાડો વણમાગી કનડગત કરી જાય છે. આવનાર દસેક વર્ષમાં આવી ઘોંઘાટ અને ધુમાડાભરી આતશબાજી ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં.

ઉત્તરાયણ વખતે લાસવેગાસમાં કન્ઝુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ યોજાઈ ગયો. એમાં કોઈ જાતના ઘોંઘાટ અને ધુમાડા વિનાની આતશબાજી કરી બતાવવામાં આવી. ફટાકડાની આતશબાજીમાં તો આકાશમાં દેખાતી ડિઝાઈન ક્ષણજીવી હોય છે, નવી આતશબાજીમાં ડિઝાઈન ધારીએ ત્યાં સુધી એક જ આકાર જાળવી રાખે. ધારો તો આકાશમાં ફિલ્મ ચાલતી હોય એમ વિવિધ રંગીન આકારો હિલચાલ પણ કરતા રહે. આ કમાલ ઈન્ટેલ લઈ આવ્યું છે.

તેના પ્રતિનિધિ બ્રાયન કર્ઝાનિશે કહ્યું કે, “આતશબાજીનો આ તદ્દન અનેરો અને નવો અનુભવ છે. તેમાં હજારો રંગબેરંગી પ્રકાશનાં ટપકાં આકાશમાં ચોક્કસ ડિઝાઈન બનાવે અને ચોક્કસ રીતે હિલચાલ કરી થ્રીડીનો અનુભવ પણ કરાવે છે.” આ કમાલ રંગીન લાઈટો લગાવેલા હજારો ડ્રોન ઉડાડીને કરાય છે. દરેક ડ્રોનને કમ્પ્યૂટરથી મુસાફરી શીખવવામાં આવે છે. કંપનીએ લાસવેગાસના આકાશમાં ૧૦૦ ડ્રોન સાથે આવી આતશબાજી કરી બતાવી. એ સાથે જ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાઈ ગયો. ડ્રોન ચોકસાઈથી આમતેમ થઈ આકાશમાં જાતજાતના આકાર સર્જતા રહ્યા.

You might also like