હરાજી નહીં થવાથી ટોચના ખેલાડી નારાજ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ભલે આઇપીએલ ૯ની બધી અડચણો દૂર કરવા માટે પોતાની પીઠ થાબડી રહ્યા હોય, પરંતુ એનાથી પ્રતિબંધિત ફ્રેંચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ ખુશ નથી. સંજીવ ગોયન્કાની ન્યૂ રાઇઝિંગે ગત ૮ ડિસેમ્બરમાં દિલ્હીમાં યોજાયેલી રિવર્સ બિડિંગ પ્રક્રિયામાં પુણે ફ્રેંચાઇઝી, જ્યારે ઇન્ટેક્સે રાજકોટ ફ્રેંચાઇઝી ખરીદી હતી. આ બંને ટીમ ૨૦૧૬ અને ૨૦૧૭માં સીએસકે અને આરઆરનું સ્થાન લેશે. બંને નવી ફ્રેંચાઇઝી આરઆર અને સીએસકેના ૫૦ ખેલાડીઓમાંથી ૧૦ (પ્રતિ ટીમ પાંચ પાંચ ખેલાડી)ને આજે ડ્રાફ્ટ દ્વારા પોતાની સાથે જોડશે. પુણેને સૌથી પહેલા ખેલાડીને પસંદ કરવાની તક અપાશે, કારણ કે તેણે ટીમ ખરીદવા માટે સૌથી ઓછી બોલી લગાવી હતી.

આ ફ્રેંચાઇઝી જે પહેલા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરશ તેને ૧૨.૫-૧૨.૫ કરોડ, બીજા ખેલાડીને ૯.૫-૯.૫ કરોડ, ત્રીજા ખેલાડીને ૭.૫-૭.૫ કરોડ, ચોથા ખેલાડીને ૫.૫-૫.૫ કરોડ રૂપિયા મળશે. આ નક્કી કરેલી રકમ ટીમના ટોચના ખેલાડીઓ માટે ચિંતાનો વિષય છે. સીએસકેના એક ખેલાડીએ કહ્યું કે હરાજી નહીં થવાથી તેમને નુકસાન થશે. ગત વર્ષે હરાજીમં યુવરાજસિંહને દિલ્હી ડેરડેવિલ્સે ૧૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો બંને ફ્રેંચાઇઝીમાંથી કોઈ મહેન્દ્રસિંહ ધોનીને ડ્રાફ્ટ પ્રક્રિયા દ્વારા પહેલા ખેલાડી તરીકે પણ પોતાની ટીમમાં સામેલ કરશે તો ધોનીને ફક્ત રૂ. ૧૨.૫ કરોડ જ મળશે. ઉલ્લેખનીય છે કે ધોની આઇપીએલની પહેલી સિઝનથી જ સૌથી મોંઘો ખેલાડી બની રહ્યો છે. આઠ વર્ષ પહેલાં ધોનીને સીએસકેએ લગભગ છ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આઇપીએલના એક અધિકારીના જણાવ્યા અનુસાર આઠમી સિઝન માટે સીએસકે અને ધોની વચ્ચે લગભગ ૨૦ કરોડ રૂપિયાનો કરાર થયો હતો એટલું જ નહીં, રૈનાને આ જ ટીમ તરફથી લગભગ રૂ. ૧૦.૫ કરોડની ચુકવણી કરાઈ હતી. હવે જો પુણે કે રાજકોટ ફ્રેંચાઇઝી ધોનીને પહેલી માગણીમાં પોતાની ટીમમાં સામેલ પણ કરી લે તો ધોનીને ગત વર્ષની સરખામણીએ બહુ ઓછી રકમ મળશે.

સીએસકેની ટીમમાં સામેલ આ ખેલાડીનું કહેવું છે કે જો ડ્રાફ્ટના સ્થાને બંને ટીમના ખેલાડીઓને હરાજીમાં મૂકવામાં આવ્યા હોત તો નિશ્ચિત રીતે જ ઘણા ખેલાડીઓને રૂ. ૧૨.૫ કરોડ કરતાં વધુ રકમ મળી હોત.  આ રીતે ટોચના ખેલાડીઓને તો ડ્રાફ્ટ પ્રક્રિયાથી કરોડોનું નુકસાન જ થવાનું છે.

જાડેજા પર કોણ દાવ લગાવશે?
એવું જોવું પણ દિલચસ્પ બની રહેશે કે શું રાજકોટ પોતાના ઘરેલુ ખેલાડી રવીન્દ્ર જાડેજા પર દાવ લગાવશે કે કેમ? ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી અને શાનદાર પ્રદર્શન બાદ જાડેજા મહત્ત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે. અન્ય ટોચના ખેલાડીઓનો ડ્રાફ્ટમાં સ્થાન મળવાની શક્યતા છે તેમાં સુરેશ રૈના, અશ્વિન, ડ્વેન બ્રાવો અને બ્રેન્ડન મેક્કુલમ છે, જ્યારે RRના રહાણે, સ્મિથ અને શેન વોટસન સામેલ છે.

You might also like