‘મન હોય તો માળવે જવાય’ તે આનું નામ… જમ્મુ-કાશ્મીરનો આમિર પગથી બોલિંગ કરે છે

શ્રીનગરઃ કહે છે કે નસીબ હાથની રેખાઓમાં હોય છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના આમિર હુસેને આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. અનંતનાગના આ ૨૦ વર્ષીય યુવાનના બંને હાથ સાત વર્ષની ઉંમરથી જ નથી. આમ છતાં તે ક્રિકેટ રમે છે, બેટિંગ અને બોલિંગ પણ કરે છે. આ ફક્ત શોખ માટે નહીં, બલકે તે પોતાના રાજ્યની પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે.
બંને હાથ ના હોવાના કારણે આમિર પગની આંગળીઓથી બોલ પકડીને બોલિંગ કરે છે. જોનારાઓને ત્યારે આશ્ચર્ય થાય છે, જ્યારે આમિરનું લાઇન-લેન્થ પર ગજબનું નિયંત્રણ હોય છે એટલું જ નહીં, ડોક અને ખભા વચ્ચે બેટ પકડીને તે બેટિંગ પણ કરે છે. ઝેલમ નદીના કિનારે વસેલા બિજબિહારામાં રહેતાે પરવેઝ રસૂલ ભારતીય ટીમ સુધી પહોંચનારો રાજ્યનો પહેલો ક્રિકેટર છે, તે પણ આમિરનો પ્રશંસક છે. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૯ના રોજ બીજા ધોરણમાં ભણતો આમિર પોતાના ભાઈને ટિફિન આપવા ગયો હતો, જે આરા મશીન ફેક્ટરીમાં કામ કરતો હતો. અકસ્માતે મશીનથી આમિરના બંને હાથ કપાઈ ગયા હતા.

You might also like