આજે નીતીશકુમારના મુખ્યપ્રધાનપદે શપથઃ તેજસ્વી નાયબ સીએમ

પટણા: બિહારમાં આજે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે નીતીશકુમાર પોતાના કેબિનેટના સભ્યો સાથે એક શાનદાર સમારોહમાં શપથગ્રહણ કરશે. નીતીશકુમાર ત્રીજી વખત બિહારના મુખ્યપ્રધાન બનવા જઇ રહ્યા છે. જોકે મુખ્યપ્રધાનપદ માટે તેઓ પાંચમી વખત શપથ લેશેે. નાયબ મુખ્યપ્રધાન તરીકે રાજદના વડા લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ શપથ લેશે એવા નિર્દેશ મળી રહ્યા છે. લાલુ યાદવના બંને પુત્રોને નીતીશ કેબિનેટમાં સ્થાન મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ સાથે શપથ લેનારા નેતાઓની યાદીમાં ગુરુવારે મોડી રાત્રે વધુ એક ફેરફાર કરવામાં આવ્યો હતો. નીતીશ સાથે કુલ ર૮ સભ્ય પ્રધાન તરીકે શપથ લેશે. ગુરુવારે રાત્રે નક્કી થઇ ગયું હતું કે તેજસ્વી યાદવને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. સાથે સાથે લાલુપ્રસાદના બીજા પુત્રને પણ કેબિનેટમાં સ્થાન મળશે. તેજસ્વીને નાયબ મુખ્યપ્રધાન બનાવવાથી રાજદના અબ્દુલ બારી સિ‌દ્દીકીને મંત્રાલય આપવામાં આવશેે નહીં, પરંતુ તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શકયતા છે. જોકે જદયુ સ્પીકરપદ પોતાની પાસે રાખવા માગે છે. કોંગ્રેસમાંથી અશોક ચૌધરી, મદન મોહન ઝા, અવધેશસિંહ અને અબ્દુલ જલીલને પ્રધાન બનાવાય તેવી શકયતા છે.

આ શપથગ્રહણ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો સહિત મોટા રાજકીય નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન દેવગૌડા, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઇ સહિત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહેશે.

આ ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા, સીપીઆઇએમના મહામંત્રી સીતારામ યેચુરી, દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દી‌િક્ષત સહિત અને રાજકીય હસ્તીઓ હાજર રહેશે.

You might also like