નીતીશકુમાર કેબિનેટ સાથે છઠ બાદ ર૦મીઅે શપથ લેશે

પટણા: બિહારમાં નીતીશકુમાર છઠ બાદ એટલે કે ર૦ નવેમ્બરના રોજ ૩૬ સભ્યનાં કેબિનેટ સાથે મુખ્યપ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. મહાગઠબંધનના વિજેતા ઘટક પક્ષોના વિધાનસભ્યોને દિવાળીમાં પટણા બોલાવવામાં આવ્યા છે અને તેમની વિધિવત્ બેઠક બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. જુદા જુદા ઘટક પક્ષોના વિધાનસભ્યોની બેઠક મુખ્યપ્રધાન નીતીશકુમારની અધ્યક્ષતામાં મહાગઠબંધનના વિધાયક સભ્યોની એક સંયુકત બેઠક યોજાશે.

મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર ૩૬ સભ્યની કેબિનેટમાં ૧૬ પ્રધાન રાજદના, ૧૪ જદયુના અને કોંગ્રેસના પાંચ પ્રધાન હશે. મહાગઠબંધનના સ્તરે કેબિનેટ રચનાને લઇને હજુ કોઇ પરામર્શ પ્રક્રિયાનો આરંભ થયો નથી, પરંતુ દિવાળી પછી ઘટક પક્ષ સાથે વિચાર વિમર્શ શરૂ થશે. વર્તમાન વિધાનસભાની મુદત ર૯ નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે.

નાયબ મુખ્યપ્રધાનપદે લાલુપ્રસાદના પુત્ર તેજસ્વી યાદવના નામ પર સક્રિય વિચારણા થશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નીતીશકુમાર આ વખતે પણ ગાંધી મેદાનમાં જ શપથ ગ્રહણ કરશે. વર્તમાન કેબિનેટના કેટલાય પ્રધાનોનાં ખાતા ંલગભગ યથાવત્ રહેવાની સંભાવના છે. નવી કેબિનેટમાં જદયુના કેટલાક યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે.

You might also like