નીતિશ આજે તેજસ્વી અંગે કડક નિર્ણય લે તેવી શક્યતા

પટણા: નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીને દિલ્હીથી પટણા પરત આવેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર એકાએક હરકતમાં આવી ગયા છે. પટણા પહોંચીને નીતિશકુમારે બુધવારે પોતાના વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક અગાઉ ૨૮ જુલાઈએ યોજાવાની હતી કે જ્યારે બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે, પરંતુ નીતિશકુમારે હવે આ બેઠક બે દિવસ પહેલાં એટલે કે આજે સાંજે ૫.૦૦ વાગ્યે પોતાના નિવાસસ્થાને બોલાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં નીતિશકુમાર નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ જુલાઈએ પણ નીતિશકુમારે પોતાના સરકારી નિવાસસ્થાન ૧ અણે માર્ગ પર જદયુના વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એવી માગણી ઊભી થઈ હતી કે તેજસ્વી યાદવે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે અને સીબીઆઈની કાર્યવાહી શરૂ થઈ છે.

આ દરમિયાન આવી માગણી લઈને કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાના બદલે નીતિશકુમારે તેજસ્વીને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારનો આરોપોનો પ્રજાની વચ્ચે જઈને જવાબ આપવા જણાવ્યું હતું. જોકે છેલ્લા ૧૫ દિવસમાં તેજસ્વી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને તેથી ફરીથી તેજસ્વી સામે કાર્યવાહી કરવાની માગણી થઈ છે અને તેથી આજે બોલાવેલી બેઠકમાં નીતિશકુમાર નક્કર નિર્ણય લઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like