નીતીશ-સુશીલ મોદી રૂ. ૩૦૦ કરોડના ગોટાળાના માસ્ટર માઈન્ડઃ લાલુ યાદવ

પટણા: રાજદના અધ્યક્ષ લાલુ યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી પર રૂ. ૩૦૦ કરોડના ગોટાળાના માસ્ટર માઈન્ડ હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવે જણાવ્યું છે કે ભાગલપુરમાં તાજેતરમાં જ આ ગોટાળાનો પર્દાફાશ થયો છે અને હું હવે સીબીઆઈના પટણા કાર્યાલય સમક્ષ તેમના વિરુદ્ધ ફરિયાદ કરીશ.

એક અખબારના અહેવાલ અનુસાર લાલુ યાદવે એવો દાવો કર્યો છે કે જ્યારે નીતીશકુમાર અને સુશીલ મોદીને ખબર પડી ગઈ કે તેમની મીલિભગતમાં થયેલા ગોટાળા બહાર આવી શકે છે ત્યારે તેમણે મહાગઠબંધન તોડી નાખ્યું કે જેથી એનડીએમાં સામેલ થઈને પોતાની સરકાર બનાવી શકે અને તપાસથી બચી શકે.

લાલુ યાદવે એવો દાવો કર્યો છે કે સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડે ગેરકાયદે રીતે સરકારી ખજાનાને ચૂનો લગાવ્યો છે અને તેના સંરક્ષક નીતીશકુમાર અને સુશીલ મોદી છે. લાલુ યાદવે જણાવ્યું હતું કે સીબીઆઈમાં હું ફરિયાદ નોંધાવું કે તુરત જ કેન્દ્ર સરકારે તપાસ કરાવવી જોઈએ.

ઘાસચારા કૌભાંડમાં ઝારખંડની રાજધાની રાંચીમાં ચાલી રહેલી સુનાવણી માટે આવેલા લાલુ યાદવે જણાવ્યું છે કે ગોટાળા સામે આવ્યા બાદ મુખ્યપ્રધાન નીતીશકુમારે તાત્કાલિક એક તપાસ ટીમ નીમી દીધી હતી કે જેથી મામલો રફેદફે થઈ શકે. લાલુ યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મામલાની જો યોગ્ય તપાસ થશે તો કેટલાય નેતાઓ અને અધિકારીઓ તેમાં સંડોવાઈ જશે. લાલુ યાદવે એવો આક્ષેપ કર્યો છે કે રૂ. ૨૯૫ કરોડનો ગોટાળો તો માત્ર શરૂઆત છે, આ મામલો
રૂ. ૧૦૦૦ કરોડ સુધીના ગોટાળાનો હોઈ શકે છે.

You might also like