બિહાર નકલી ટોપર અને ઓછા પરિણામ મુદ્દે નીતીશનો બચાવ

પટના : બિહાર ટોપર સ્કેમ મુદ્દે ચાલી રહેલા ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાનો પક્ષ રજુ કરતા કહ્યું કે તપાસમાં ગોટાળો થયો હોવાનું સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરી દેવાઇ છે. જ્યારે તપાસમાં બહાર આવ્યું કે ટોપર ફરીથી પરિક્ષા આપી રહ્યો છે ત્યારે મે તુરંત જ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. જો કે બિહાર બોર્ડનાં ખરાબ પરિણામ અંગે પુછવામાં આવતા નીતીશે કહ્યું કે, બોર્ડમાં કડક વલણ અખતિયાર કર્યા બાદ જ આવા પરિણામો આવ્યા છે.

અમારા આ પગલાથી પરિક્ષામાં સુધારો જોવા મળી રહ્યો છે. અમારી સરકારને અકારણ બદનામ ન કરવામાં આવે. આ નકલી ટોપર મુદ્દે પોલીસે સંજય ગાંધી હાઇસ્કુલનાં પ્રિન્સિલપલ દેવકુમારી, તેમનાં પતિ અને પૂર્વ સચિવ રામકુમાર ચૌધરી અને પુત્ર ગૌતમની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ પોલીસે સ્કુલનું તાળુ ખોલાવીને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમ મુદ્દે લાલૂ પ્રસાદ યાદવે હળવા અંદાજમાં કહ્યું કે, આરોપી ગણેશને લાડુ મળ્યો છે. લાલુએ કહ્યું કે ભાજપ – નીતીશ સરકાર વખતે બાળકોને છુટ મળતી હતી. જો કે હવે સરકાર બદલાઇ છે અને તેના સાથીદારો પણ બદલાયા છે.

You might also like