“નીતિનભાઈ ૧૦ ધારાસભ્યો સાથે આવી જાય, તેમને કોંગ્રેસમાં સારું પદ અપાવીશ”

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણીથી નારાજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બાબતે પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે આજે તેઓનું ભાજપમાં માન-સન્માન ન જળવાતું હોય તો જો તેઓ દસ ધારાસભ્ય સાથે ભાજપ છોડવા તૈયાર થાય તો તેમને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન મળે તે માટે પોતે કોંગ્રેસમાં રજૂઆત કરશે તેવું સૂચક નિવેેદન કર્યું હતું.

દરમિયાન પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણીથી નારાજ નાયબ મુખ્યપ્રધાન ની‌િતન પટેલ અંગે હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના સુશાસન માટે આપણે સાથે મળીને લડીશું. જો નીતિન પટેલ દસ ધારાસભ્ય સાથે ભાજપ છોડવા તૈયાર થાય તો અમે કોંગ્રેસમાં તેમને યોગ્ય સ્થાન આપવાની રજૂઆત કરીશું. બોટાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની ચિંતન શિબિર પહેલાં હાર્દિકે આ નિવેદન કર્યું હતું.

દરમિયાન આજે સવારે બોટાદમાં ચિંતન શિબિરનો પ્રારંભ કરતાં પહેલાં હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનોએ સાળંગપુર હનુમાનદાદા તેમજ ગઢડા સ્વા‌િમનારાયણ મંદિરે દર્શન કર્યાં હતાં.

આજે સવારે ૯-૦૦ વાગ્યાથી ચિંતન શિબિર સાંજના પ-૦૦ વાગ્યા સુધી ચાલશે તેમ પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ સમભાવ મેટ્રો સાથેની વાતચીતમાં જણાવતાં વધુમાં કહ્યું હતું કે આ ચિંતન શિબિરમાં વિવિધ પ્રકારના રાજકીય ઠરાવ પસાર કરાશે તેમજ પાસની નવી કોર કમિટીની રચના કરાશે. જોકે ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયાને આમંત્રણ અપાયું ન હોઇ નવો વિવાદ સર્જાયો છે.

દિનેશ બાંભણિયાએ ગઇ કાલે હાર્દિક પટેલે કરોડોની સંપત્તિ બનાવી શહીદ પરિવારના ઘરે ફંડ જ ન પહોંચાડ્યું તેવો સ્ફોટક આક્ષેપ કરતાં ચકચાર મચી હતી. ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા અંગે દિનેશ બાંભણિયાને પૂછતાં તેઓ કહે છે કે મને ચિંતન શિબિર અંગેનું આમંત્રણ મળ્યું ન હોઇ હું તેમાં હાજર રહેવાનો નથી. પાસ કોઇની જાગીર નથી એટલે ખોટું નહીં ચલાવી લઉં. આજની ચિંતન શિબિરના નિર્ણયો બાદ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને મારા ભાવિ પગલાં નક્કી કરીશ.

આ દરમિયાન આજે સવારે ઊંઝા ખાતે આવેલા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના પ્રમુખ વિક્રમ પટેલનું હૃદય રોગના હુમલાથી નિધન થતાં હાર્દિક પટેલે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે આજની ચિંતન શિબિર વિક્રમ પટેલને શોકાંજલિ આપીને પોતાની શિબિર ચાલુ રાખશે.

You might also like