Dy.CM નીતિન પટેલને નાણાં મંત્રાલય અપાયું, આજે ચાર્જ સંભાળ્યો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાતાની ફાળવણી અંગેની નારાજગી દૂર કરી દેવામાં આવી છે. ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા નીતિન પટેલને નાણાં મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવશે તેવી અમિત શાહે બાંહેધારી આપતા કાર્યાલય જઇને ચાર્જ સંભાળી લીધો હતો.

તેમણે 11.30 વાગ્યે સચિવાલયમાં જઈને પોતાના કાર્યાલયમાં પૂજા અર્ચના કરી હતી અને પોતાના નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો હતો. નીતિન પટેલે એવું પણ કહ્યું હતું કે, નવાવર્ષથી અમારી સરકાર કાર્યરત થઇ જશે.

હવે સમાચાર મળી રહ્યા છે કે, નીતિન પટેલને નાણાં મંત્રાલય સોંપી દેવામાં આવ્યું છે. નીતિન પટેલને હાલમાં જ ફાળવાયેલા ખાતાઓ સામે નારાજગી હતી અને તેમને નાણાં મંત્રાલય જેવા મહત્વના ખાતા જોઈતા હતા. જે હવે તેમને સૌરભ પટેલના હાથમાંથી છીનવીને અપાઈ ગયું છે. નીતિન પટેલને નાણાં ખાતુ અપાયા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

નીતિન પટેલ માની જતાં રાજકારણમાં આવેલો ગરમાવો શાંત પડી ગયો છે. નીતિન પટેલ મામલે કોંગ્રેસ મનિષ દોશીએ અભિનંદન પાઠવતાં કહ્યું છે કે, ભાજપના રિસામણા અને મનામણા આખા ગુજરાતે જોયા છે, પરંતુ ભાજપ સરકારે જનતાને આ મામલે જવાબ આપવો જોઇએ.

You might also like