હાઇવે પર કરાશે અત્યાધુનિક એમ્બ્યુલન્સ તહેનાત: ગડકરી

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ-પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સડક સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. આટલા માટે હવે નેશનલ હાઇવે પર દર પ૦ કિ.મી.એ એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. એટલું જ નહીં હાઇવે ને ટ્રોમા સેન્ટર સાથે જોડવામાં આવશે કે જેથી અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર મળી શકે.

નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવામાં આવશે. તેનાથી પ્રદૂષણ પણ ઘટાડી શકાશે. ગડકરીએ એકસ્પો માર્ટમાં ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન દ્વારા આયોજિત ૧૮મી વર્લ્ડ રોડ કોંગ્રેસના ઉદ્ઘાટન સમારોહમાં બોલતાં જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષાએ મોટો પડકાર છે. માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુુ ઘટાડવા માટે કામ ચાલી રહ્યું છે અને તેનાં પરિણામો પણ મળી રહ્યાં છે. માર્ગ અકસ્માતોમાં લગભગ ચાર ટકાનો ઘટાડો થયો છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હાઇવે પર સીસી ટીવી અને સ્પીડોમીટર લગાવવામાં આવશે. દેશમાં હાલ ૭પ૦૦ કિ.મી. નૌકા પરિવહન છે જે વધારીને ર૦,૦૦૦ કિ.મી. કરવાનું લક્ષ્યાંક છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ન્યૂ મોટર વિહિકલ એકટ લોકસભામાં પસાર થઇ ગયો છે. આગામી સત્રમાં તે રાજ્યસભામાં રજૂ કરાશે.

You might also like