ઓલા-ઉબેરની પેટર્ન પર સરકાર એપ બેઝ્ડ ટેકસી સેવા શરૂ કરશેઃ ગડકરી

નવી દિલ્હી: ઓલા અને ઉબેરની પેટર્ન પર હવે કેન્દ્રની મોદી સરકાર પણ એપ બેઝડ કેબ સર્વિસ શરૂ કરી શકે છે. કેન્દ્રીય પ્રધાન ની‌િતન ગડકરીએ જણાવ્યું હતું કે આ યોજના હાલ જોકે અત્યંત પ્રારંભિક તબક્કે છે, પરંતુ સરકાર તેને લઇને ગંભીર છે. તેમણે દુનિયાભરમાં ડ્રાઇવરલેસ કારને લઇ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયાભરમાં ભલે ડ્રાઇવરલેસ કારને લઇને ઉત્સાહ વધી રહ્યો હોય, પરંતુ ભારતમાં હાલ આવી કાર માટે કોઇ સ્થાન નથી. માર્ગ અને પરિવહન પ્રધાન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારને લાખો ડ્રાઇવરોની નોકરીની ચિંતા છે એવામાં ડ્રાઇવરલેસ કાર પર સરકાર વિચાર કરીને લાખો લોકોની નોકરીઓને ફટકો પહોંચાડવા માગતી નથી.

ગડકરીએ જણાવ્યું કે સરકારી પ્લેટફોર્મ વધુ ને વધુ લોકોને રોજગાર પહોંચાડવા માટે હોય છે. ઓલા અને ઉબેરની પેટર્ન પર સરકાર દ્વારા એપ બેઝડ ટેકસી સેવા લાવવાની યોજના છે, જોકે આ યોજના હાલ અત્યંત પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ અમે તેના પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ગડકરીએ જણાવ્યું હતું કે ટ્રકર્સ અને ટેકસી એગ્રીગેટર્સ દ્વારા ટ્રાન્સપોર્ટ માર્કેટમાં હજારો નવા રોજગાર આવી રહ્યા છે ત્યારે ડ્રાઇવરલેસ કાર જેવી ટેકનોલોજી લાખો લોકોને બેરોજગાર બનાવી શકે છે.
http://sambhaavnews.com/

You might also like