નીટમાં ગુજરાતી માધ્યમને અન્યાયના વિરોધમાં અનેક શાળાઓ બંધ રહી

અમદાવાદ: ધોરણ-૧ર સાયન્સમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટમાં ગુજરાતી વિદ્યાર્થીઓને થયેલા અન્યાયના મુદ્દે વાલીઓ લડત આપી રહ્યા છે. આ મુદ્દે વાલીઓએ આજે રાજ્યભરની શાળાઓ બંધ રાખવા અપીલ કરી હતી. સવારથી જ કેટલાક વાલીઓ શાળા બંધને સફળ બનાવવા જુદા જુદા વિસ્તારોનો શાળાઓમાં જઇને સંચાલકોને શાળા બંધ રાખવા અપીલ કરી શાળાઓ બંધ રખાવી હતી.

સીટીએમ વિસ્તારની કેટલીક શાળાઓ આજે સવારે ઊઘડતાંની સાથે જ બંધ રખાવવામાં વાલીઓ સફળ થયા હતા. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને થયેલા અન્યાયની રજુઆત કરીને વિદ્યાર્થી અને વાલીના સમર્થનમાં જુદી જુદી શાળાઓમાં જઇને વાલી, પ્રિન્સિપાલ અને સંચાલકોને મળીને શાળા બંધ રાખવા સમજાવી રહ્યા છે. પરંતુ સમગ્ર ઘટનામાં શાળા બંધના એલાનમાં જોડાવાની વાતને વાલી મંડળે રદિયો આપ્યો હતો. પરંતુ નીટના મુદે લડી રહેલા વાલી મંડળે શાળા બંધનું એલાન આપતાં આજે સવારથી મણિનગરની સેવન્થ-ડે સ્કૂલ, નેલ્સન શાળા, સરસ્વતી વિદ્યાલય, સ્વામિનારાયણ શાળા, જીવકોરબા શાળા, દુર્ગા શાળા, પશ્ચિમ વિસ્તારની એચ.બી. કાપડિયા, હીરામણિ, દીવાન બલ્લુભાઇ, સંઘવી હાઇસ્કૂલ, વિદ્યામંદિર, શારદા હાઇસ્કૂલ, પૂજા વિદ્યાલય સહિતની શાળાઓ સવારથી જ બંધ રહી હતી.

આ અંગે નીટના અન્યાયના મુદ્દે લડી રહેલા વાલી મંડળના પ્રમુખ. ડૉ.કનુભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી અપીલના પગલે અમદાવાદ જ નહીં રાજ્યભરની મોટા ભાગની ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ રહી છે. મેડિકલમાં માત્ર નીટના આધારે પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષે લેવાયેલી નીટમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નપત્રો અપાયા હતા. સામાન્ય રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં દરેક માધ્યમના વિદ્યાર્થીઓને એક સરખા પ્રશ્નપત્રો આપવામાં આવે છે. પરંતુ નીટ દ્વારા પહેલી વખત ગુજરાતી માધ્યમના અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નપત્રો અપાયા હતા. વાલીઓના કહેવા મુજબ નીટની આવી કામગીરીને પગલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે તેથી અન્યાયના મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like