નિર્ણયનગરમાં પાણીનો પોકાર

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના નવા વાડજ વોર્ડમાં સમાવેશ પામેલા નિર્ણયનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો પોકાર ઊઠયો છે. ગૃહિણીઓ પાણીની તંગીથી રોજબરોજનાં કામોમાં મુશ્કેલીઓ અનુભવે છે. તેમ છતાં સત્તાવાળાઓ ગંભીર બન્યા નથી. નિર્ણયનગર વિસ્તારના સેકટર ૧થી ૧૦ના રહેવાસીઓ વોર્ડ સીમાંકનનો ભારે કડવો અનુભવ વેઠી રહ્યા છે. અગાઉ આ વિસ્તારનો નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં સમાવેશ કરાયો છે, પરંતુ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ જે પ્રકારે આડેધડ રીતે જે તે વોર્ડનું સીમાંકન થયું તેને પગલે આ સમગ્ર વિસ્તારને હવે નવા વાડજ વોર્ડમાં ભેળવી દેવાયો છે.

પહેલાં તો આ વિસ્તારના લોકોને નવા પશ્ચિમ ઝોનની સ્ટેગરિંગની પદ્ધતિથી સમયાંતરે બે બે ‌કલાક અપાતાં પાણીથી લેશમાત્ર પરેશાની ન હતી, પરંતુ હવે પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન સવારના ૬-૦૦થી ૮-૦૦ વાગ્યા સુધીનો પાણીનો પુરવઠો પૂરો પાડે છે એટલે નિશ્ચિત સમયમર્યાદામાં પાણી અપાય છે.

જેને કારણે સેકટર ૧થી ૧૦ના નાગરિકો પાણીની તંગી અનુભવે છે. નિર્ણયનગરમાં નવું પમ્પિંગ સ્ટેશન બન્યું હોઇ ત્યાંથી ટ્રાયલ બેઝથી અત્રે પાણી પૂરું પડાય છે. તેમ છતાં પાણીનો કકળાટ ઊભોને ઊભો જ છે. પરિણામે અગાઉની સ્ટેગરિંગની પદ્ધતિથી પાણી આપવાની પણ સ્થાનિકોની માગણી ઊઠી છે. જોકે સંબંધિત અધિકારીઓ આ વિસ્તારમાંથી પાણીની તંગીની કોઇ ફરિયાદ ઊઠી નથી તેવું જણાવે છે. જ્યારે સંબંધિત કોર્પોરેટરો ફકત સેકટર ૩માં બીજા, ત્રીજા માળે રહેતા નાગરિકોને પાણીની તકલીફ પડે છે તેવું ઉપર છલ્લું જણાવીને સમગ્ર પ્રશ્નની ગંભીરતાને રફેદફે કરી રહ્યા છે.

You might also like