નિર્માણ સ્કૂલમાં ફી વધારા મામલે વિરોધ

અમદાવાદ: ફી નિયમન બિલ તો શિક્ષણ વિભાગે લાગુ કર્યું, પરંતુ તેના અમલીકરણને લઈ હજુ વાલીઓને સંચાલકો સામે લડત આપવી પડે છે. વાલીઓ અમદાવાદના સી.જી રોડના પંચવટી વિસ્તારની નિર્માણ સ્કૂલમાં ફી વધારાના મામલે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. પહેલા ધોરણમાં જ રૂ. 25 થી લઈ 27 હજાર સુધી ફી લેવાતાં વાલીઓએ શાળા કેમ્પસમાં સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મળતી માહિતી મુજબ અગાઉ નિર્માણ સ્કૂલના સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી બાબતે બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે નિયત કરેલાં ધારાધોરણ મુજબ ફી લેવાનું નક્કી કરવાનું જણાવ્યું હતું, પરંતુ આજે સવારે નિર્માણ સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈને ફી ઘટાડા માટે સૂત્રોચાર કર્યા હતા અને ફી વધારો પાછો ખેંચવા માગ કરી હતી.

વાલીઓનો આક્ષેપ છે કે સરકારે ફી નિયમન માટે બિલ પાસ કરેલા બિલમાં ધોરણ-1માં ભણતા વિદ્યાર્થી માટે 15000 રૂપિયા ફી લેવાનું જાહેર કરાયું છે. ગયા વર્ષે 22000 ફી હતી ત્યારબાદ આ વખતે સ્કૂલ સંચાલકોએ 25000 ફી કરી દેતાં મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવી દીધો હતો. સ્કૂલમાં ધોરણ-૧માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી પાસેથી રૂપિયા 25000 થી 27000 સુધીની અલગ અલગ ફી લેવાઈ રહી છે તેવા પણ આક્ષેપ વાલીઓએ કર્યા હતા

આ અંગે સ્કૂલના ટ્રસ્ટી આશિષ દેસાઇએ જણાવ્યું હતું કે અત્યારે વાલીઅોને ૧૫ હજાર ફી ભરવાનું કહ્યું છે. ફી નિર્ધારણ કમિટી નક્કી કરે તે મુજબ ફી નક્કી થશે.
http://sambhaavnews.com/

You might also like