નિર્ભયાકાંડઃ કાયદો બદલાયો પણ સમાજ હજુ નથી બદલાયો

નિર્ભયાકાંડને ચાર વર્ષ પૂરા થયાં હોવાં છતાં નિર્ભયાનાં પરિવારજનોને ન્યાય માટે હજુ પણ કોર્ટનાં ચકકર કાપવા પડી રહ્યાં છે. જ્યારે ઘટના બની હતી ત્યારે સરકારે નિર્ભયાના પરિવારજનોને આ કેસમાં કોઈને પણ છોડવામાં નહિ આવે અને તેમના પરિવારને આ કેસમાં ન્યાય મળશે જ તેવી ખાતરી આપી હતી, પરંતુ આજે આ ઘટનાને ચાર વર્ષ પૂરાં થઈ ગયાં છે પણ ન તો નિર્ભયાના આરોપીઓને સજા થઈ છે કે ન તો નિર્ભયાના પરિવારજનોને સરકારે અાપેલી સરકારી નોકરીની ખાતરી પૂરી થઈ છે. ત્યારે આ કેસ પરથી એવું કહી શકાય કે દેશમાં કાયદો બદલાયો છે પણ સમાજની દૃષ્ટિમાં કોઈ બદલાવ આવ્યો નથી અને આવા કેસમાં જે તે પીડિત કે તેમના પરિવારજનોને સહકાર આપવાને બદલે સતત તેમનાથી વિમુખ થવાના પ્રયાસ થઈ રહ્યા છે.
બળાત્કાર કે ગેંગરેપ જેવા શબ્દો જે તે પીડિતા માટે ગાળ સમાન ગણાય છે. આવા શબ્દનો મજાકમાં પણ ઉપયોગ કરવો ન જોઈએ. બળાત્કાર માત્ર શરીર પરનો ત્રાસ નથી પણ તે જે તે પીડિતાના મન અને તેના અસ્તિત્વ પરના હુમલા સમાન છે. દેશમાં આવા કેસ અવારનવાર બની રહ્યા છે અને આવી ઘટના વખતે થોડો સમય જે તે પીડિતાના પરિવારજનોને લોકોની સહાનુભૂતિ મળે છે પણ બાદમાં આવા કેસમાં આમ જનતા તરફથી સહકાર મળવાનું બંધ થઈ જાય છે અને છેવટે આવી ઘટનાનો ભોગ બનેલા પરિવાર એકલા પડી જાય છે. ચાર વર્ષ પહેલા નિર્ભયા સાથે આવી ઘટના બની હતી ત્યારે શરૂઆતમાં કોર્ટની સુનાવણી વખતે નિર્ભયાના પરિવારજનો સાથે અનેક લોકો આવતા હતા પણ છેલ્લાં કેટલાક સમયથી હવે કોર્ટમાં આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. જે એ વાતની સાબિતી આપે છે કે સમાજ આવી ઘટના પ્રત્યે ઓછી લાગણી દર્શાવવા લાગ્યો છે. જેના કારણે જ સમાજમાં આવી ઘટના વારંવાર બનતી રહે છે.

નિર્ભયા સાથે ગેંગરેપ થયો હતો તેની વેદના આજે પણ તેના માતા-પિતાને સતાવી રહી છે. અને તેઓ ન્યાય માટે જ્યાં ત્યાં ભટકી રહ્યા છે. ત્યારે સવાલ અે થાય છે કે સમાજ આવા કેસને ગંભીરતાથી કેમ નથી લેતો? અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કોઈ અસરકરાક પગલાં કેમ લેવાતાં નથી? નિર્ભયા સાથે આવુ કૃત્ય આચરાયું હતું અને બાદમાં તે અર્ધનગ્ન હાલતમાં પડી હતી ત્યારે કોઈએ તેના પર ચાદર નાંખવાની પણ તસદી લીધી ન હતી. તેથી એવી વાત તો ચોકકસ સાબિત થાય છે કે આવા બનાવો સામે હજુ સમાજમાં કોઈ ખાસ જાગૃતિ આવી નથી અથવા આવા બનાવો સામેની સમાજની માનસિકતા પણ બદલાઈ નથી. આવા કેસમાં હવે કાયદા બદલાયા છે પણ સમાજની માનસિકતા કે વિચારસરણી બદલી શકાઈ નથી.તે ચિંતાનો વિષય છે. સમાજને પુરુષપ્રધાન માનવામાં આવે છે ત્યારે તે રીતે જોઈએ તો સમાજમાં અવારનવાર બનતા આવા બનાવો સામે પુરુષો કોઈ ખાસ ચળવળ કે અભિયાન શરૂ કરવા કેમ આગળ આવતા નથી?

દેશમાં જ્યારે પણ કોઈ ગુનાની તપાસ કરવાની વાત આવે છે ત્યારે માત્ર કાનૂન અને વ્યવસ્થા સિવાય અન્ય કોઈ બાબત વિચારવામાં આવતી નથી. જોકે આ બાબતે જ્ઞાન વિજ્ઞાનની અનેક શાખાઓએ કેટલાક ઉપાયો શોધ્યા છે.
આપણી સરકાર પાસે આવા કેસના તમામ પાસાઓ પર અભ્યાસ કરવા અપરાધશાસ્ત્ર ઉપલબધ્ધ છે. પંરતુ દુઃખની વાત છે કે આપણે તેની સુચારુ વ્યવસ્થા કરી શક્યા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આપણી પાસે આવા કેસની તપાસ માટે કોર્ટ, પોલીસ અને જેલ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેથી જો ‍આવા કેસમાં જે તે પીડિતા અથવા તેમના પરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવો હોય તો તે માટે સમાજના સહકારની પણ તેટલી જ આવશ્યકતા છે કારણ આવા કેસમાં જો સમાજનો સાથ મળે તો તેની કેસની પ્રક્રિયા પર અસર પડી શકે તેમ છે.

home

You might also like