IBનું એલર્ટ, આતંકીઓના સંપર્કમાં નિર્ભયાનો “સગીર દોષિત”

નવી દિલ્હીઃ 16 ડિસેમ્બર 2012ના નિર્ભયા કાંડના સગીર દોષિત અંગે ઇન્ટેલિજેન્સ બ્યુરોએ નવો ખુલાસો કર્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ એલર્ટ જાહેર કર્યું કે નિર્ભયા રેપ અને મર્ડર કાંડમાં મુક્ત થયેલ સગીર દોષિત આતંકીઓના સંપર્કમાં છે. એજન્સીને શંકા છે કે પુક્ત થઇ ચૂકેલા અપરાધીનું જેહાદી કનેક્શન હોઇ શકે છે. સગીર દોષિતને ગત વર્ષે ડિસેમ્બરમાં બાળ સુધારગૃહમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો. ગુપ્તચર એજન્સીએ આ બાબત પર ઉત્તરપ્રદેશના તેમના ગૃહ જિલ્લા બદાયુમાં પણ સત્તાધિશોને એલર્ટ કર્યા છે.

ગુપ્તચર એજન્સીના અધિકારી પ્રમાણે હાલમાં જ કેટલીક ગતિવિધીઓને નોંધવામાં આવી છે અને સ્થાનીક પ્રશાસનને આ મામલે માહિતી આપવામાં આવી છે. આઇબીના મતે બાળ સુધાર ગૃહમાં નિર્ભયાનો દોષિત એક કાશ્મીરી છોકરા સાથે રહેતો હતો. જે વર્ષ 2011માં દિલ્હી હાઇકોર્ટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં શામેલ હતો. બંને લગભગ એક વર્ષ સુધી સાથે રહ્યાં હતાં. ત્યારે આ દરમ્યાન કશ્મીર યુવકે કાશ્મીરીઓની સમસ્યા અંગે જણાવ્યું હતું. સાથે જ કાશ્મીરીઓના હક માટે અવાજ ઉઠાવવા પ્રેરિત કર્યો હતો.

તો આ તરફ આઇબીના એલર્ટ બાદ પોલીસ સીનિયર સુપ્રીટેન્ડટ સુનીલ સક્સેનાએ જણાવ્યું છે કે આ મામલે કોઇ ખાસ ઇનપુટ નથી.પરંતુ જે રીતની મદદની જરૂર હશે તે ચોક્કસ મદદ આપશે. આઇબીએ સગીરને મુક્ત કરતા પહેલાં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં કાશ્મીરી યુવક સાથે તેની નિકટતા તે વાતની આશંકાને જન્મ આપે છે કે તેનું બ્રેન વોશ કરવામાં આવ્યું હશે. દોષિતને જેહાદીઓ સાથે જોડાવામાં અને કાશ્મીરીઓ સાથે જોડાવા અંગે પ્રેરણા આપવામાં આવી હશે. જેને પગલે દોષિતનું કાઉન્સિલિંગ કરવામાં આવશે અને તેનામાંથી કટ્ટર વૃત્તિઓને ખત્મ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે નિર્ભયાના આ દોષિતને તેની સજા પૂરી થવાના છ મહિના પહેલાં છોડી મૂકવામાં આવ્યો હતો. 16 ડિસેમ્બર 2012ને છ શખ્સોએ રાષ્ટ્રિય રાજધાનીમાં નિર્ભયા પર ચાલતી બસમાંથી ગેગરેપ કર્યો હતો. તેની સાથે બર્બરતાની તમામ હદો પાર કરી દેવામાં આવી હતી. તેનું લાંબી સારવાર બાદ મૃત્યુ થયું હતું.

 

You might also like