નિર્ભયાના માતા-પિતાને પુત્રી માટે ન્યાય ન મળ્યાનો વસવસો

નવી દિલ્હી : દિલ્હી ગેંગરેપ કેસની ત્રીજી વરસી પર ભોગ બનેલી યુવતીના માતાપિતા આજે નિરાશ થયેલા છે. માતાપિતાએ કહ્યું છે કે અમે પુત્રી માટે ન્યાય મેળવવામાં નિષ્ફળ રહ્યા છીએ. ન્યાય માટેની હવે કોઇ આશા દેખાતી નથી. જુવેનાઇલના અપરાધીને નહીં છોડવા માટેની અપીલ કરવામાં આવી છે. જો કે આશા દેખાઇ રહી નથી. નિરાશ થયેલા ભોગ બનેલી યુવતીના પિતાએ કહ્યું છે કે દરરોજ યાદ વધુને વધુ તાજી બનતી જાય છે. પુત્રી માટે ન્યાય પણ અમે મેળવી શકયા નથી.

પિતાના કહેવા મુજબ બનાવને ત્રણ વર્ષનો ગાળો થઇ ગયો છે પરંતુ ચાર અપરાધીને હજુ સુધી ફાંસી મળી નથી. સાથે સાથે જે સૌથી ક્રૂર અપરાધી તરીકે કિશોર છે તેને ૨૦મી ડિસેમ્બરના દિવસે છોડી મુકવાની વાત પણ થઇ રહી છે. કારણ કે નિરીક્ષણ ગૃહમાં તેની અવધિ પૂર્ણ થઇ રહી છે. છ અપરાધી પૈકીના સૌથી કુખ્યાત અપરાધી તરીકે આ જ કિશોર રહ્યો હતો. યુવતીના પિતાએ કહ્યું છે કે બનાવના વખતે જુવેનાઇલ યુવાનને છોડી મુકવો જોઇએ નહીં કારણ કે તે સમાજ માટે ખતરા સમાન અને ખતરનાક બની શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. અમારા માટે તે અમારી પુત્રીના હત્યારા તરીકે છે. તે ધૃણાસ્પદ અને ગંભીર ગુનો કરી ચુકયો છે. જેથી તેને છોડી મુકવાની બાબત યોગ્ય નથી. યુવતીના પિતાએ કહ્યું છે કે અમે નાના લોકો છીએ. અમારી વાત કોણ સાંભળશે. છેલ્લા ત્રણ વર્ષથી અમે ન્યાયની આશામાં દરેક દરવાજા પર જઇ રહ્યા છીએ.

જો કે તે સફળતા મળી રહી નથી. જો કે કેન્દ્ર સરકારે દિલ્હી કોર્ટને નિરીક્ષણ ગૃહ અવધિને લંબાવી દેવા માટે દિલ્હી હાઇકોર્ટને અપીલ કરી છે. કેન્દ્ર સરકારે ધારદાર દલીલો કરી છે. અન્ય કોઇ યુવતી શિકાર ન થાય તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે.

You might also like