નિર્ભયા કેસના અપરાધીઓની રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી: ૧૬ ડિસેમ્બર, ર૦૧રના રોજ સમગ્ર દેશને હચમચાવી નાખનાર નિર્ભયા ગેંગ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટ આજે અપરાધીઓની રિવ્યૂ પિટિશન પર પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં અપરાધીઓની રિવ્યુ પિટિશનની અરજી નામંજૂર કરી છે ફાંસીની સજા યથાવત રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.પ-ર-ર૦૧૭ના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે ચાર અપરાધીઓની મોતની સજાને યથાવત્ રાખી હતી. ત્યારબાદ અપરાધીઓએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ આર. ભાનુમતી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેન્ચ આજે ચાર અપરાધીઓ મૂકેશસિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશન પર ચુકાદો સંભળાવ્યો હતો . આ ચાર અપરાધીઓ પૈકી મૂકેશ, પવન અને વિનયની રિવ્યૂ પિટિશન પર દલીલો સમાપ્ત થઇ ચૂકી છે, પરંતુ અક્ષય તરફથી દાખલ કરવામાં આવેલ રિવ્યૂ પિટિશન પર હજુ દલીલો થઇ શકી નથી, કારણ કે આ અરજી પાછળથી દાખલ કરવામાં આવી હતી. ત્રણ અપરાધીઓની રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે પોતાનો ચુકાદો આપ્યો છે.

આ કેસના તમામ છ આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને હત્યાના કેસ દાખલ થયા હતા. ફાસ્ટટ્રેક કોર્ટમાં તેનો ખટલો ચાલ્યો હતો અને ૧૩ ‌ડિસેમ્બર, ર૦૧૩ના રોજ ચાર અપરાધીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. સગીર આરોપીને ત્રણ વર્ષની મહત્તમ સજા સાથે સુધાર કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો હતો.

જ્યારે એક આરોપી રામસિંહે તા.૧૧ માર્ચ, ર૦૧૩ના રોજ તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તા. ૧૩ માર્ચ, ર૦૧૪ના રોજ દિલ્હી હાઇકોર્ટે ફાંસીની સજા પર મંજૂરીની મહોર મારી હતી. ત્યાર બાદ તા.પ માર્ચ, ર૦૧૭ના રોજ સુપ્રીમ કોર્ટે અપરાધીઓની ફાંસીની સજા જાહેર કરી હતી. અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો જાહેર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્ભયા સાથે દ‌ક્ષિણ દિલ્હી તા.૧૬ ડિસેમ્બર, ર૦૧રની રાત્રીએ ચાલુ બસમાં છ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ આ નરાધમોએ નિર્ભયાને ગંભીર ઇજાઓ પહોંચાડીને રસ્તા પર ફેંકી દીધી હતી.

You might also like