સરકારે બેંક કૌભાંડી નીરવ મોદીને ભારત લાવવાની જાળ બિછાવી

નવી દિલ્હી, શનિવાર
પંજાબ નેશનલ બેન્કને રૂ.૧૧,૪૦૦ કરોડનો ચૂનો લગાડનાર જ્વેલર નીરવ મોદીના ઠેકાણાનો પત્તો લાગી ગયો છે. વિદેશ મંત્રાલયનાં સૂત્રોનું કહેવું છે કે નીરવ મોદી અમેરિકા સ્થિત ન્યૂયોર્કની એક હોટલમાં છુપાયો છે અને સરકારે હવે તેને ભારત લાવવા માટેની જાળ બિછાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓ અમેરિકન અધિકારીઓના સંપર્કમાં છે કે જેથી નીરવ મોદીને ભારત લાવી શકાય.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નીરવ મોદીએ અન્ય કોઇ દેશનું નાગરિકત્વ સ્વીકારી લીધું છે એવી કોઇ માહિતી હજુ સુધી તેમને મળી નથી. તેનો પાસપોર્ટ રદ કર્યો હોવાથી કોઇ પણ દેશના નાગરિક તરીકે રહેવું હવે તેના માટે શક્ય નથી.

મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નીરવ મોદી જેડબ્લ્યુ મેરિયેટ હોટલના એસએસ હાઉસના ૩૬મા માળના સ્યૂટમાં પત્ની સાથે રહે છે, જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે હું ખાતરી સાથે એટલું કહી શકંું છું કે નીરવ મોદી અમારા કોઇ અધિકારીના સંપર્કમાં નથી તેના લોકેશન અંગે અમને કોઇ જાણકારી નથી.

દરમિયાન આજે બેન્કર્સના સંગઠન ઇન્ડિયન બેન્ક્સ એસોસીએશનની પંજાબ નેશનલ બેન્કના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પ્રથમ વાર બેઠક મળી રહી છે. પીએનબી કૌભાંડનો રેલો અન્ય કેટલીયે બેન્ક સુધી પહોંચી રહ્યો છે, જેને લઇ કેન્દ્ર સરકારે દેશની અન્ય સરકારી બેન્ક પાસે દસ્તાવેજો મંગાવ્યા છે.

બેન્કના ટોચના અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે કે જો તેમના ધ્યાન પર કોઇ શકમંદ મામલો કે ગોટાળો હોય તો તાત્કાલિક નાણાં મંત્રાલય અને આરબીઆઇને જાણ કરે. આ ઉપરાંત આઇસીએઆઇ પણ હવે ઓડિટરની ભૂમિકા તપાસશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમણે નીરવ મોદી અથવા તેની કોઇ કંપનીને લોન આપી નથી. તેમણે કોઇ પેમેન્ટ કર્યું હોય તો તે પંજાબ નેશનલ બેન્કના નામે કર્યું છે. એટલા માટે તેનું પેમેન્ટ પીએનબીએ જ કરવું પડશે. પીએનબીના લેટર ઓફ અન્ડરટેકિંગ સામે એસબીઆઇએ રૂ.૯૦૦ કરોડનું પેમેન્ટ કર્યું હતું અને તેથી બેન્કની બાકી નીકળતી રકમ પીએનબીએ ચૂકવવી પડશે.

You might also like