નીરવ મોદીએ પર્સનલ એકાઉન્ટમાં રૂ. 934 કરોડ ટ્રાન્સફર કર્યા હતા

(એજન્સી)નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કને રૂ. ૧૩ હજાર કરોડ કરતાં વધુ રકમનો ચૂનો લગાડનાર હીરાના વેપારી નીરવ મોદી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક વધુ નવી ચાર્જશીટ દાખલ કરી છે. નીરવ મોદી હાલ લંડનમાં છે.

આ ઉપરાંત બીજો એક પર્દાફાશ એ થયો છે કે ભાગેડુ નીરવ મોદીએ રૂ. ૯૩૪ કરોડ પોતાના તેમજ પત્ની અને પિતાના પર્સનલ એકાઉન્ટમાં સીધા ડાયવર્ટ કરીને ટ્રાન્સફર કર્યા હતા. ઇડીએ દાખલ કરેલી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં આવો દાવો કરવામાં આવ્યો છે.

મુંબઇ સ્થિત સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઇડીએ એવો આરોપ મૂક્યો છે કે નીરવ મોદીએ સ્વયંના ખાતામાં રૂ.૫૬૦ કરોડ, પત્ની એમીના ખાતામાં રૂ.૨૦૦ કરોડ અને પિતા દીપક મોદીના ખાતામાં રૂ.૧૭૪ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ તમામ એકાઉન્ટ્સ વિદેશી બેન્કોમાં છે. નીરવ મોદીએ બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયુ) દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૩ હજાર કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચર્યું હતું.

ઇડીએ પોતાની સપ્લિમેન્ટરી ચાર્જશીટની સાથેસાથે દુબઇ, યુએઇ, સિંગાપોરની કંપનીઓના બેન્ક સ્ટેટમેન્ટની વિગત પણ જમા કરાવી છે કે જેથી એવું સાબિત થઇ શકે કે નીરવ મોદી અને તેના પરિવારના સભ્યોએ કૌભાંડની રકમ પોતપોતાના અંગત એકાઉન્ટમાં ડાયવર્ટ કરી હતી. ઇડીએ હવે નીરવ મોદીની પત્ની એમી મોદીને પણ આરોપી બનાવી દીધી છે.

You might also like