નીરવ મોદીએ તેના કર્મચારીઓને પગાર ચૂકવવામાં હાથ ઊંચા કર્યા

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કને ૧૧,૪૦૦ કરોડનો ચૂનો લગાવનારા હીરાના વેપારી નીરવ મોદીએ હવે તેની કંપનીના કર્મચારીઓને નવી નોકરી શોધી લેવા જણાવીને તે હવે તેના કર્મચારીઓને પગાર ચૂકવી શકે તેમ નથી તેવી ઈ-મેઈલ દ્વારા જાણ કરી છે.

ગઈ કાલે નીરવ મોદીએ તેની કંપનીના નામે એક ઈ-મેઈલ કરી તેના કર્મચારીઓને જણાવ્યું છે કે કંપની હાલ કર્મચારીઓને પગાર ચૂકવી શકે તેમ નથી. તેથી તમારા માટે સારી બાબત એ રહેશે કે તમારા સારા ભવિષ્ય માટે તમે નવી નોકરી શોધી લો. મોદીએ ઈ-મેઈલમાં આ અંગે ખુલાસો કરતાં વધુમાં જણાવ્યું છે કે કંપનીનાં તમામ એકાઉન્ટ સીઝ થઈ ગયાં છે તેમજ ફેકટરી અને શો-રૂમનો તમામ સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે.

તેથી અમે કોઈને પૈસા આપી શકીએ તેમ નથી. તેથી જ સારી વાત એ રહેશે કે તમે તમારી રીતે નવી નોકરી શોધી લો, જોકે મોદીએ એ વાતની ખાતરી આપી છે કે પરિસ્થિતિ થાળે પડ્યા બાદ તમામ કર્મચારીઓની બાકી નીકળતી રકમ ચૂકવી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ ગઈ કાલે પીએનબી કૌભાંડની તપાસના સંદર્ભે મુખ્ય આરોપી નીરવ મોદીની ફાઈવ સ્ટાર કંપનીના અધ્યક્ષ (નાણાં) વિપુલ અંબાણીની ધરપકડ કરી લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ કૌભાંડમાં દાખલ થયેલી બે અરજી અંગે તપાસ એજન્સીએ ચાર અન્ય વરિષ્ઠ કાર્યપાલક અધિકારીઓની પણ ધરપકડ કરી છે.

અંબાણીની કાર્યપાલક સહાયક કવિતા માનકીકર તથા વરિષ્ઠ કાર્યપાલક અધિકારી અર્જુન પાટીલ સાથે સીબીઆઈ દ્વારા દાખલ થયેલી અરજીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ અરજી હેઠળ ૬૪૯૮ કરોડના ૧૫૦ લેટર્સ ઓફ અંડરટેકિંંંગ (એલઓયુ)ની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like