COAની નજર ૭૨ વર્ષીય નિરંજન શાહ પર

નવી દિલ્હીઃ ફરી એક વાર બધાંની નજર ૭૨ વર્ષીય નિરંજન શાહ પર રહેશે, કારણ કે તેઓ બેંગલુરુની ફાઇવસ્ટાર હોટલમાં આજે બપોર બાદ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) બેઠકની અધ્યક્ષતા કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ૭૦ વર્ષથી ઉંપરની કોઈ પણ વ્યક્તિ બીસીસીઆઇમાં રહી શકે નહીં, જોકે બોર્ડના દિગ્ગજોનું કહેવું છે કે ૭૦ વર્ષની ઉંમર મર્યાદા બીસીસીઆઇના પદાધિકારીઓ માટે છે, અન્ય સમિતિઓમાં અનુભવી લોકો સામેલ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારોની સમિતિ (સીઓએ)ના એક સભ્યએ કહ્યું કે એનસીએની બેઠક અગાઉથી નક્કી થયેલી છે, જોઈએ હવે બેંગલુરુમાં શું થાય છે. સીઓએના અધ્યક્ષ વિનોદ રાય આજે ભારત પાછા ફરી રહ્યા છે. હવે આગળ શું કરવાનું છે તે તેઓ જ નક્કી કરશે.

અમને જાણવા મળ્યું છે કે એમ. પી. પાંડેયને પણ સભ્ય હોવાના કારણે તા. ૭ મેએ દિલ્હીમાં યોજાનારી આઇપીએલ સંચાલન પરિષદમાં બોલાવવામાં આવ્યા છે. તેઓ પણ ઉંમરની યોગ્યતા પૂરી કરતા નથી. આ પહેલાં ગત તા. ૮ એપ્રિલે સ્થગિત થયેલી બીસીસીઆઇની એસજીએમમાં ભાગ લેવા માટે પણ એન. શ્રીનિવાસન, નિરંજન શાહ, ટી. સી. મેથ્યૂ, રંજીબ બિસ્વાલ અને જી. ગંગારાજુ પહોંચ્યા હતા. આ બધાંને વધુ ઉંમરના આધાર પર અયોગ્ય ગણાવાયા હતા. બાદમાં એ બેઠકને સ્થગિત કરી દેવામાં આવી હતી.

શ્રીનિવાસનને BCCIના પ્રતિનિધિ તરીકે જવાની મંજૂરી અપાઈ નહોતી. ત્યારબાદ નિરંજન શાહ સહિત મોટા ભાગના અયોગ્ય સભ્યોએ બાદમાં યોજાયેલી એજીએમમાં ભાગ લીધો નહોતો, જોકે ઝારખંડ ક્રિકેટ સંઘ તરફથી રાજીવ વર્માએ ભાગ લીધો હતો, જેમને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાના આધારે અયોગ્ય જણાવવામાં આવી રહ્યા છે. હવે આજે યોજાનારી બેઠકની અધ્યક્ષતા ૭૨ વર્ષીય નિરંજન શાહ કરશે.
http://sambhaavnews.com/

You might also like