હું હોદ્દાથી દૂર થઈ જ ગયો છું, રાજીનામું આપવાની જરૂર જ નથી: નિરંજન શાહ

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસ.સી.એ.)માં ચાર દાયકાથી વધુ સમયથી સત્તારૂઢ અનુભવી પીઢ વહીવટીકર્તા નિરંજન શાહે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની લોઢા સમિતિની ભલામણોનો ભારતીય ક્રિકેટમાં અમલ કરવા માટેના છેલ્લા આદેશ બાદ તેઓ રાજ્યની સંસ્થામાંથી દૂર થઈ ગયા છે. શાહે કહ્યું હતું કે લોઢા સમિતિની ભલામણો પ્રમાણે તેઓ ક્રિકેટના વહીવટમાં કોઈ સત્તાવારપણે ભાગ ન લઈ શકતા હોવાથી તેમણે એસ.સી.એ.માંથી રાજીનામું આપવાની કોઈ જરૂર રહેતી નથી.

અન્ય ભલામણો સાથે લોઢા સમિતિએ બીસીસીઆઇ તથા રાજ્યના ક્રિકેટ એસોસિયેશનોમાં સત્તાધીશ તરીકે રહેવા માટે વધુમાં વધુ ૭૦ વર્ષની મર્યાદા લાદી છે. શાહની ઉંમર ૭૨ વર્ષની છે. શાહે કહ્યું હતું કે કોર્ટનો હુકમ લાયકાતનું ધોરણ દર્શાવે છે, જેથી મારે રાજીનામું આપવાની કોઈ જરૂર જ રહેતી નથી.

શું પોતે સલાહકાર તરીકે ભૂમિકા ભજવશે એમ પૂછવામાં આવતાં શાહે કહ્યું હતું કે તે હવે ભાવિ અધિકારીઓ પર નિર્ભર છે અને હું એસ.સી.એ.ને છોડવાથી સંતુષ્ટ છે. સૌરાષ્ટ્રના ક્રિકેટ ઉપરાંત, શાહ ભારતીય ક્રિકેટ બૉર્ડમાં પણ વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે, જેમાં સચિવપદ તથા ઉપપ્રમુખપદનો પણ સમાવેશ છે.
http://sambhaavnews.com/

You might also like