શહીદ નિરંજન વિરુદ્ઘ અપમાનજનક ટિપ્પણી કરનારની ધરપકડ કરાઈ

તિરુવનંતપુરમ્ : પઠાણકોટમાં વાયુસેનાનાં ઍરબેઝ પર આતંકવાદી હુમલામાં શહીદ થયેલાં રાષ્ટ્રીય સલામતી જુથ (એનએસજી)નાં કમાન્ડો લેફિટનન્ટ કર્નલ નિરંજનકુમાર અંગે એક શખ્સે સોશિયલ મિડિયા પર અપમાનજનક ટિપ્પણી કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ આ શખ્સની દેશદ્રોહનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના ફેસબુક ઍકાઉંટ પર લખ્યુ હતું, ‘અચ્છા હુઆ એક ઔર મુસીબત કમ હુઈ અબ ઉસકી પત્ની કો આર્થિક મદદ ઔર નૌકરી દે દી જાયેગી આમ આદમી કો કુછ નહીં મિલતા કૈસા ગંદા લોકતંત્ર હૈ (સારૃં થયું. વધુ એક મુસીબત ઓછી થઈ. હવે તેની પત્નીને આર્થિક મદદ અને નોકરી આપી દેવામાં આવશે. સામાન્ય માણસને કશું નથી મળતું. કેવી ગંદી લોકશાહી છે.

કેરળનાં મલપ્પુરનાં રહેવાસી ૨૪ વર્ષીય અનવરની આ એફબી પોસ્ટ વાયરલ થઈ ગઈ અને લોકોનો રોષ તેની વિરુદ્ઘ ભભૂકી ઉઠ્યો. આ માહિતી મળતાં જ પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો. તેની સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૧૨૪ (રાષ્ટ્રદ્રોહ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીનાં એફબી ઍકાઉન્ટમાં મૂકાયેલી પ્રોફાઇલ મુજબ અનવર એક સ્થાનિક ન્યૂઝ પેપરમાં કામ કરે છે.

જોકે તેની વિરુદ્ઘ ફરિયાદ પણ તે જ ન્યૂઝ પેપરનાં મૅનેજમેન્ટે કરી છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે આરોપીએ ત્યાં કયારેય કામ નથી કર્યું. પોલીસે કહ્યું કે આરોપી અનવરની એફબી વૉલ ઉપરથી વાંધાજનક ટિપ્પણી ડિલીટ કરી દેવાઈ છે. આ અંગે પૂછપરછ ચાલુ છે.

You might also like